ઉનાળાના ધગધગતા તાપમાં જંગલના લીલા પ્રદેશો સુકાઈ જવા પામ્યા છે ત્યારે દક્ષિણ ડાંગ વિસ્તારમાં કોઈ અજાણ કારણથી જંગલમાં આગ ભભૂકી ઉઠી છે. આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ સુકા પાંદડા અને ગાઢ વૃક્ષોના લાકડાં ને કારણે આગ વધુ ઝડપથી જંગલમાં દુર સુધી ફેલાઈ ગઈ હતી, તેવા અહેવાલો છે.
જંગલ ખાતાના ‘ચીચીના ગાવઠા’ રેન્જ ના પીંપરી ફોરેસ્ટ ના કમ્પાર્ટમેન્ટ 61 માં આગ મોડી રાત્રે શરૂ થયાનું જણાય છે, જે સવાર સુધી ઘણા વિસ્તારોમાં વિસ્તરી ચૂકી હતી. ચોક્કસ જગ્યા જાણીએ તો પીંપરી ફોરેસ્ટ ના દાવદહાડ ગામ ની સીમ ના જંગલમાં આગ લાગેલી છે. આગ બુઝાવવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ થતા ફાયર ટીમ સાથે વનકર્મીઓ તથા ઓફિસરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી, નજીક રહેતા ગ્રામ વાસીઓએ સહકાર આપ્યો હતો. હાલમાં આગ પર મહદ અંશે કાબુ મેળવાયો છે. સ્ટાફના માણસોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. નજીકના છૂટાછવાયા ઘરોમાં રહેતા રહેવાસીઓ ચિંતામાં પડી ગયા હતા. જોકે માનવ વસ્તી વિનાનું જંગલ હોવાથી ત્યાં નુકસાન ટળી ગયું છે. એમ જંગલ વિભાગ તરફથી પ્રાથમિક રિપોર્ટ જાણવા મળ્યો છે.
