લદ્દાખને અલગ રાજ્યના દરજ્જા માટે વાંગચૂકની ભૂખ હડતાળ

છેલ્લા 21 દિવસથી સોનમ વાંગચૂક માઇનસ 10 ડિગ્રી ટેમ્પરેચર માં ભૂખ હડતાળ પર બેઠા છે તેમની સાથે સાડા ત્રણસો લોકો રોજ આટલી ઠંડીમાં ખુલ્લામાં સુવે છે છતાં કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ સહાનુભૂતિ પ્રગટ કરવામાં આવી નથી.

આવો જાણીએ કોણ છે સોનમ વાંગચૂક અને કેમ તે ઉપવાસ કરી રહ્યા છે.

સોનમ વાંગચૂક એક સુધારાવાદી વિચારક અને શિક્ષક છે. તેમણે 1988માં સ્ટુડેન્ટ એજ્યુકેશનલ એન્ડ ક્લચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખની સ્થાપના કરી હતી. સોનમ વાંગચૂકને સરકારી શાળાની વ્યવસ્થામાં સુધારો લાવવા માટે સરકાર, ગ્રામીણ જૂથો તથા સમાજના સહયોગથી 1994માં ઓપરેશન ન્યુ હોપ શરુ કરવાનુ પણ શ્રેય પ્રાપ્ત છે. આમિર ખાનની ફિલ્મ થ્રી ઈડીયટ્સમાં આમિર ખાનની ભૂમિકા ફુંગસૂક વાંગડુ સોનમ વાંગચૂક પર જ આધારિત છે. સોનમ વાંગચૂકે આઈસ સ્તુપ્સની પણ રચના કરી છે જેના દ્વારા હિમસ્થાનો પર બરફના પાણીનો ઉપયોગ કરી શકાય છે. જેના દ્વારા સોનમ વાંગચૂકને પ્રસિદ્ધી મળી હતી.

સોનમ વાંગચુક લદ્દાખ માટે અલગ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસુચીમાં સ્થાન માટે માંગ કરી રહ્યા છે. છઠ્ઠી અનુસૂચિ આદિવાસી વિસ્તારો માટે જમીન સંરક્ષણ અને સ્વાયત્તતા સુનિશ્ચિત કરે છે, સોનમ વાંગચુકે આક્ષેપ કર્યો છે કે તેઓ દક્ષિણમાં વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટ અને ઉત્તરમાં ચીની અતિક્રમણથી મુખ્ય ગોચર જમીન ગુમાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે જમીની વાસ્તવિકતા બતાવવા માટે અમે ટૂંક સમયમાં 10,000 લદાખી ભરવાડો અને ખેડૂતો સાથે બોર્ડર માર્ચનું આયોજન કરીશું.

વાંગચુક લેહ અને કારગિલ માટે અલગ લોકસભા બેઠકો, સ્થાનિકો માટે નોકરીની તકો અને લદ્દાખમાં લેહ અને કારગિલ જિલ્લાઓ માટે પબ્લિક સર્વિસ કમિશનની માગણી કરી રહ્યા છે.