Identifying Corrupt Gaming Zones
રાજકોટ આગ અકસ્માતમાં નિર્દોષ બાળકોની લાશો ના વાઈરલ થયેલા ફોટા જોઈ જાણે વીજકરંટનો ઝટકો લાગ્યો. સુરતમાં પણ એવું જ બન્યું હતું ? વડોદરામાં અને મોરબીમાં બનેલી ઘટનાઓ ભૂલાઈ નથી. જગ્યા ગમે તે હોય આમ જોવા જઈએ તો આ ઓવરઓલ ભ્રષ્ટાચાર ગેમિંગ નો ભાગ જ છે, એટલે કે એક રમત જ છે. જે ગેમ હારી જાય તે રડતો દેખાય, ગેમ જીતી જાય એ રૂપિયાનો ઢગલો કરતો જાય. ખરું?
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત શું કરવાની? આ જ કહેવાય ગેમિંગ. કોર્ટકેસો થશે, તારીખો પડશે, જામીન મળશે, જેલમાં જનારા જશે, કોઈક છૂટશે કોઈક ફૂટશે, વગેરે વગેરે. ભ્રષ્ટાચારની દુનિયા અનોખી છે, કોઈક જ વાર ઝડપાઈ જવાય બાકી તો ચાલ્યું આવ્યું છે તેમ ચાલશે. કાયદા તો ઘણા છે, કડક પણ છે પણ કાયદા પાળવા હોય તો કડક લાગે ને?
કાયદાની જ વાત નીકળી છે તો કહી દઉં કે હાલના કાયદામાં જ ઓછી શક્તિ નથી, હાલના કાયદા પણ એટલા સક્ષમ છે કે દરેક બાબતોને કંટ્રોલ કરી શકે છે. માટે નવા કડક કાયદાઓ બનાવવાની વાત નો કોઈ અર્થ નથી. (ખાટલે મોટી ખોડ ભ્રષ્ટાચાર છે) જે અધિકારીઓ હાલના કાયદા વાપરવામાં ટૂંકા પડે છે તેમને માટે નવા કાયદાઓ બનાવીને પણ શું ફેર પડવાનો છે? દા.ત. બંધારણ બદલવાની અફવા ફેલાવી રોટલો શેકનારા શેકી લેતા હોય છે. એવાં કેટલાંય તત્વો માટે આવાં અકસ્માતો તક બની જાય છે.
કાયદામાં છીંડા પાડનારા લોકો એક્સપર્ટ કહેવાય છે, કાયદાની મજબૂત દિવાલમાંથી દરેક ખાતાવાળા એક એક ઈંટ જેટલું ગાબડું પાડતા જાય, આખરે મોટું બાકોરું પડી જતું હોય છે, અધિકારીઓ શું અજાણ્યા હોય છે? તેઓને કાયદા કરતાં છીંડા નું જ્ઞાન જબરજસ્ત હોય છે.
પુરાવા નાબૂદ કરવા, એનઓસી આપવી કે નહીં, ફાયર સેફટી છે કે નહીં, જાહેર જગ્યાઓમાં આકસ્મિક સમયે એક્સિટ ગેટ છે કે કેમ? અને તેની યોગ્ય જગ્યા છે કે કેમ ? પાર્કિંગ છે કે કેમ ? વગેરે નિયમો તો ઘણા બધા છે પણ ટૂંકા સમય માટે મળેલી નોકરીઓમાં કોઈને લૂંટી લેવાની તક મળતી હોય તો બેસી રહેવાનું? ભલે કોઈ પણ ભોગ બને. નોકરી પૂરી થાય પછી આપણને કોઈ પૂછવાનું નથી.
ગેમ ઝોન હોય કે પછી બિલ્ડીંગ ઝોન હોય. જાહેર પબ્લિક જગ્યા હોય કે ખાનગી, ટ્રસ્ટ હોય કે સોસાયટી બધે સરખું જ ચાલી રહ્યું છે ઝોન બદલાય છે પણ જુઠા અને ખોટા કાગળ ઉપર ભ્રષ્ટાચાર જીવતો રહે છે. વળી નવી બિલ્ડિંગનું બાંધકામ હોય કે રીનોવેશન ? પરવાનગીના કાયદાઓ કોણ પાડે છે ? પણ જ્યારે અકસ્માત થાય ત્યારે ગુફામાં છુપાઈ રહેલા હોદ્દેદારોએ જવાબ આપવા બહાર આવવું પડતું હોય છે એ ભુલશો નહિ. એક દિવસ ભ્રષ્ટાચારીઓના ચહેરા જીવતેજીવ ભડથું થઇ ગયેલ બાળકોની લાશો જેવા કાળા પડ્યા વીના રહેશેે નહી. ઈશ્વર પણ ન્યાય અનોખી રીતે કરે છે. માનવ જવાબદારીની ગંભીરતા હવે સમજી જાવ. લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરો, રાજકોટ થી આવેલી આ ચેતવણી સમયસરની છે.
ગેમિંગ ઝોન નો અર્થ – એક રમત ભ્રષ્ટાચારની…
