હૃદય કંપાવતી એક વિચિત્ર ઘટના

36 વર્ષની એક સ્ત્રીને અજગર ગળી ગયો : ઈન્ડોનેશિયા

સમાચાર ઇન્ડોનેશિયાના છે, મધ્ય ઇન્ડોનેશિયાની નજીક આવેલા જંગલમાં રહેતા લોકોના છૂટા છવાયા રહેઠાણ વિસ્તારની આ ઘટના છે.

અર્ધ વિકસિત સિતેબા ગામ થી ૫૦૦ મિટર દુર આવેલ જંગલના વિસ્તારમાં એક કુટુંબમાં 36 વર્ષની ઉંમરની સ્ત્રી જેનું નામ સીરિતી હતું, તે સૂર્યાસ્ત પછી સાંજના સમયે પોતાના બિમાર બાળકને માટે ઘરેથી નીકળીને દવા લેવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઝાડી ઝાંખરામાં રસ્તામાં મહાકાય અજગરના હુમલાનો શિકાર બની ગઈ. સીરિતી ભાગવા જાય એ પહેલા મહાકાય અજગર એ તેને પોતાના ભરડામાં લઈ લીધી અને થોડીક મિનિટોમાં એ સ્ત્રીને ગળી ગયો. મોડી રાત સુધી સ્ત્રી ઘરે પાછી ન ફરતા તેના પરિવારના લોકોએ શોધ કરવા જતા રસ્તામાં તેના ચંપલ અને કેટલાક કપડાં મળી આવ્યા તેનાથી આસપાસની ઝાડીમાં તપાસ કરતા ત્યાં એક અજગર મળી આવ્યો. ત્યારબાદ દક્ષિણ સુલાવેશી પ્રાંતના વન રક્ષક અધિકારીઓને જાણ કરતાં તેમણે અજગરને પકડીને કાયદેસર રીતે તેનો પેટ ચીરીને એના પેટમાંથી સ્ત્રીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ વિચિત્ર ઘટનાના સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા નજીકના બધા ગામોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

વાઈલ્ડ લાઈફ માહિતી-
આ ઘટના વાંચવાથી વાચકોને કેટલાક સવાલો મનમાં થાય છે

1- શું અજગર ઝેરી હોય છે કે કેમ?

એનો જવાબ છે. ના. અજગર નાગની જેમ ઝેરી હોતા નથી.

2- શું અજગર માણસને ગળી શકે છે?

જવાબ છે હા, ગળી જઈ શકે છે પણ આવી ઘટના ભાગ્યે જ બને છે પણ બકરી, તેના બચ્ચા મરઘાં કે બીજા નાના પ્રાણીઓ કે તેમના બચ્ચાંનો મોટાભાગે અજગર શિકાર કરે છે.

3- માણસને કેવી રીતે ગળી જઈ શકે?

અજગર ને હાથ હોતા નથી તેથી તેના મોં દ્વારા તે પ્રાણીનું કોઈ એક અંગને પકડી લે છે અને ત્યાર પછી આખો અજગર તેની આસપાસ વીંટળાઈને એના મજબૂત સ્નાયુઓ દ્વારા શિકારના શરીરને દબાવે છે એ દબાણ એટલું જબરજસ્ત હોય છે કે કોઈપણ પ્રાણી કે માણસ શ્વાચ્છોશ્વાસ લઈ શકતો નથી અને ધીમે ધીમે પ્રાણી મૃત્યુ પામે છે પછી અજગર પોતાના સ્નાયુઓથી દબાવતા દબાવતા પોતાના મુખમાં ધકેલે છે.

શરૂઆતમાં સાયકલની ટ્યુબ જેવો નાનો દેખાતો અજગર ટ્રકની રબરની ટ્યુબ જેવો પહોળો થઈ જાય છે અને એ રીતે માણસ જેવા શિકારને પણ તેનાં પેટમાં સમાવી લે છે એવી એની રચના કુદરતે બનાવી છે.