વડીલનો અહીં અર્થ માત્ર “મોટી ઉંમરના” નથી પણ બૌધિક, નૈતિક, અને ન્યાયી માનવીય દ્રષ્ટિકોણથી વિચાર કરનાર વ્યક્તિ ની વાત છે. પોતાના ઘરના વડીલ બનીને પરિવારને એક બગીચો માનીને પોતે તેના જવાબદાર માળી જેવા બનવું જોઈએ. માળી જે રીતે બાગના છોડોને પાણી સિંચે છે, ખાતર આપે છે અને તેમનું ધ્યાન રાખે છે, નકામા છોડ તથા ઘાસને ઉખાડીને ફેંકી દે છે તે જ રીતે વડીલ એ ઘરના ગુરુ છે, પોતાના કુટુંબનું લાલનપાલન કરવું જોઈએ તેણે પરિવારના સભ્યો માટે ભોજન, વસ્ત્રો, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરવાની સાથે સાથે કુટુંબનો કોઈપણ સભ્ય વ્યસની, સ્વાર્થી, દુર્ગુણી ના બની જાય તેનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ, નહીંતો કુટુંબમાં ક્લેશ, ઝઘડા તથા ફાટફૂટ પેદા થશે. સમયસર પ્રેમ, કડકાઈ, શિસ્ત વગેરે ઉપાયોથી વિકૃતિઓને દૂર કરવી જોઈએ. જો કુટુંબમાં વધતી જતી વિકૃતિઓની ઉપેક્ષા કરવામાં આવે તો થોડા સમયમાં પરિવાર નરક બની જશે.
યુવાનોએ ઘરના વડીલોને પોતાના જીવનને શ્રેષ્ઠ તથા આદર્શ બનાવીને પરિજનો સામે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરવું જોઈએ. તો જ તે પોતાના કુટુંબને સુગંધ ફેલાવતા બગીચા જેવું સુંદર બનાવી શકશે. સદાચારી સદગૃહસ્થ વડીલ કુટુંબમાં સુખ-શાંતિ બનાવી શકે છે. આથી તાત્કાલિક જ સદગૃહસ્થ વડીલ બનવાનો અભ્યાસ શરૂ કરી દો. પછી જુઓ કે તમારૂં કુટુંબ સ્વર્ગ જેવું સુંદર તથા સુખદ બને છે કે નહીં.