ઉદય શંકર પંડિત લોકોની નિસ્વાર્થ સેવા કરવા નીકળી પડે છે. સેવાભાવી પંડિતજી રોજે રોજ આસપાસના ગામોની શેરીએ શેરીએ ફરતા રહે ઘેર ઘેર રામ રામ કરતા રહે અને લોકો ને બોલાવે ખબર અંતર પૂછે, સલાહ સૂચન આપે અને જરૂરિયાત મુજબ માનવને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ શોધતા રહે છે.
સામાજિક પથ ની નજર આવા દેવ જેવા કાર્યકરો પર પડી અને સંપર્ક થયો પછી તેમની સાથે ટેલિફોનિક મિત્રતા બાંધી અને પૂછપરછ કરી તેમની સેવાની નોંધ લખવાનું વિચાર્યું. આ જમાનામાં છેવાડાના ગરીબ માનવ જીવનને જ્યાં કોઈ ‘પૂછનાર’ નથી, તેવાને ‘પૂજનાર’ પંડિત મળે તો તેમના હૃદયમાં કેટલો આનંદ થાય છે, જાણે સ્વર્ગ ઘર આંગણે ઉતરી આવ્યું હોય. તેમની આ સ્ટોરી જાણીને તેમને નમન કરવાનું મન થઈ જાય. અમદાવાદ જેવા શહેરોમાં વિચાર કરીએ તો પોતાના કામ ધંધામાં લોકો દોડધામ કરતા જોવા મળે છે પરંતુ આવા ગ્રામ્ય છેવાડે જીવતાં માણસો એમના કુટુંબો અને એમની દિનચર્યા વિશે વિચારવા પણ કોઈ નવરું હોતું નથી.
માનવતાના ધોરણે 40 થી વધુ ગામડાઓમાં આ પંડિતજી મદદ માટે ફરી વળ્યા છે અને છેલ્લા એમના આ પત્રમાં પિતા વિનાના એક પરિવારની વાત લખી છે કે “ચાર બહેનો અને એક નાનો ભાઈ આ ઘરમાં એમની માતા સાથે રહે છે. પિતા રીક્ષા ચલાવતા અકસ્માતમાં મરણ પામ્યા ત્યાર પછી ઘરની રોજી રોટી માટે ભારે તકલીફ ઊભી થઈ નાનો દીકરો એને ગંભીર ઓપરેશન કર્યું છે, સૌથી મોટી દીકરી 12 વર્ષની છે જે મજૂરી કરીને તેની મમ્મીને તેની માતાને ઘરનો ભાર ઉચકવા મદદ કરે છે.”
આપણા આ મિત્ર ઉદયશંકર પંડિત આ બાળકોની મુલાકાતે ગયા તેમને અનાજ કરિયાણા ની કીટ આપી તથા કપડાં રમકડાં અને નાની બાળાઓની શણગારની ચીજો આપી. એમની સાથે મુલાકાત થઈ બાળકો એમને જોઈને એટલા ખુશ થયા કે તેમને બાઝી પડ્યા. પંડિત કહે છે કે એ ઘરનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.
પંડિતજી સામાજિક પથ ના વાચકોને મેસેજ મોકલી રહ્યા છે કે જો તમે સક્ષમ હો અને મદદ કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરશો. જાતે આવો અને જોઈ પણ શકો છો. એવી આપ સૌને વિનંતી છે. આ આપણા જ ભાઈઓ છે, કપરી પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે અને નાના ભૂલકાઓનું બાળપણ ખોવાઈ ગયું છે. તેઓ જણાવે છે કે “જેમ જેમ હું નવી જગ્યાએ ફરતો જાઉં છું તેમ તેમ ઘણા બધા લોકો ભૂખ અને અભાવ અને ભય વચ્ચે જીવી રહ્યા છે” બસ એ જ આ માધ્યમથી આપને જણાવવાનું છે.
તેમની સેવાઓનો આ વિસ્તાર છે તેઓ અમરેલી જિલ્લાના જસવંતગઢ માં રહે છે અને નજીકના ગામો જેવા કે માયાપાદર, બાંભણિયા, અડતાળા, મોણપુર, ચમારડી જેવા ઘણાં ગામોમાં મુલાકાત લેતા રહે છે, આપણે આપણા આ સેવાભાવી મિત્રને યાદ કરીએ તો મોટી રાષ્ટ્રસેવા કરી ગણાશે -જય હિન્દ