લીમડો ભારતીય મૂળ નું એક બહુ ઉપયોગી વૃક્ષ છે. પ્રાચીન સમયથી જ ભારતમાં લીમડો અનેક ઉપયોગોમાં લેવામાં આવે છે. લીમડામાં અનેક ઔષધીય તથા જંતુનાશક તત્વો આવેલા છે. જેથી લીમડાનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ‘ઝરતો લીમડો’ ‘દૂધ નીકળતો લીમડો’ ‘પાણી વહેતો લીમડો’ વગેરે બાબતો સાંભળવા મળે છે.
સમાચાર પત્રોમાં રાજસ્થાન ના એક ગામમાં ‘રડતો લીમડો’ તથા ‘લીમડા નાં આંસુ’ અંગેના સમાચારો પ્રસિદ્ધ થયેલ હતા, આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા “આફરી” સંસ્થા દ્વારા જોધપુર આસપાસના વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે કરેલ લીમડાનાં વૃક્ષો માંથી મહત્તમ પાંચ ટકા વૃક્ષોમાં આ સમસ્યા જોવા મળેલ છે. આ વૃક્ષોમાં દર વર્ષે આ સમસ્યા જોવા મળતી નથી પરંતુ સામાન્ય કરતાં ખૂબ વધુ વરસાદ પડ્યો હોય તેવા વર્ષોમાં આ સમસ્યા જોવા મળી હતી. જે લીમડામાંથી પ્રવાહી વહેતું હતું તે પ્રવાહી એકઠું કરી તેનો અભ્યાસ કરવામાં આવેલ હતું તો જાણવા મળ્યું કે સામાન્ય તાપમાને આ પ્રવાહી એક અથવા બે દિવસમાં ગુંદર બની જાય છે. જે ડાળીમાંથી પ્રવાહી વહેતું હતું તેને કાપી અંદરના ભાગે અભ્યાસ કરતા જાણવા મળેલ કે નાનું છીદ્ર કાણું પડેલ હતું તે શાખા ના મધ્ય ભાગમાં આવેલ નલિકાઓ જે શાખાના બહારના ભાગ સુધી ફેલાયેલ હતી તેમાંથી બહાર વહેતું હતું તેમાંથી આ પ્રવાહીનો અભ્યાસ કરતા તેમાં કૃમિ જીવાત જોવા મળેલ આ કૃમિ જળ અથવા મૃદા માં મૃત જીવી રૂપમાં પણ પ્રાણીઓમાં પરજીવી રૂપમાં રહે છે. આ કૃમિ લાંબા વેલણ આકારના બંને છેડેથી પાતળા હોય છે. આ કૃમિની ઘણી જાતો શાક ભક્ષી અથવા પર્ણ પક્ષી હોય છે. એટલે કે આ કૃમિ છોડના વિવિધ ભાગો જેવા કે પાંદડા અને ડાળી માંથી પોષણ મેળવે છે. આ કૃમિની પ્રજાતિઓમાં બાહ્ય તથા આંતરિક રચનાઓમાં અનેક વિવિધતા જોવા મળતી હોવાથી તે લગભગ તમામ પ્રકારના વાતાવરણમાં પોતાને ઢાળી લે છે. આ કૃમિ નું સ્વભાવિક વાતાવરણ જલીય હોય છે પરોપજીવી છોડના મૂળમાં સૌથી વધુ પ્રમાણમાં આ કૃમિ જોવા મળે છે. કારણ કે વૃદ્ધિ માટે જરૂરી આહાર તથા વિવિધ તત્ત્વો મૂળોમાં મળી રહે છે. સંક્રમિત વૃક્ષના મૂળમાંથી આ કૃમિ ઉપર આવી વિવિધ શાખાઓમાં પહોંચી બહાર આવવાનો રસ્તો મળતા અથવા જાતે રસ્તો બનાવી બહાર આવી જતા હોય છે.
લીમડામાં આ ઘટના કોઈક વાર જ બનતી હોઈ લોકોમાં કુતુહલ જાગે છે તથા જાત જાતની ધારણાઓ કરવામાં આવે છે. આ અભ્યાસ પરથી માલુમ પડેલ છે કે આ સમસ્યાથી વૃક્ષની વૃદ્ધિ પર ખાસ અસર પડતી નથી. વૃક્ષોમાં જોવા મળતા કૃમિ પર ખૂબ ઓછો અભ્યાસ થયેલ છે જેથી વૃક્ષમાં થતા કૃમિનો વિસ્તૃત તથા ઊંડાણપૂર્વકનો વૈજ્ઞાનિક અભ્યાસ જરૂરી છે.
(ગુજરાત વન વિભાગના પ્રકૃતિ નામના સામયિક માંથી સાભાર)