રાષ્ટ્રપતિના વરદ્હસ્તે વડોદરાની હેતવી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’


માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે વડોદરાની હેતવી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે. હેતવીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. આ ઉપરાંત, પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કરે છે તેમજ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતની આ દીકરી પર ગુજરાતને ગર્વ છે.