રાષ્ટ્રીય ધ્વજ દિન

(એક ચિત્રકાર ની કલમે)

જો કે આ ધ્વજ દિનની બહુ જાહેર ઉજવણી દેખાતી નથી છતાં જાણવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં 22 જુલાઈ એક મહત્વનો દિવસ છે. સ્વતંત્રતા મળ્યાના થોડા દિવસ પહેલા આ ધ્વજને બંધારણ સભામાં કાયદેસર મંજૂર કરવામાં આવ્યો હતો. તેથી આજનાં દિવસને રાષ્ટ્રીય ધ્વજ દિન મનાવવામાં આવે છે. આપણા દેશના ધ્વજની ત્રણ ચાર કૃતિઓ અગાઉ સમય અનુસાર વપરાશમાં હતી. તે બદલીને આ તિરંગો ધ્વજ પસંદ કરવામાં આવ્યો. તિરંગો આપણી આઝાદીનું અને શૌર્યનું પ્રતીક છે તેને જોઈને આપણું મન હર્ષોલ્લાસથી પ્રફુલ્લિત થઈ જાય છે.

આ ધ્વજ બાબતે થોડું લખવું એટલે જરૂરી લાગ્યું કે આ ભારતભૂમિ પર સૌથી વધુ સન્માનનીય જો કોઈ રાષ્ટ્રીય પ્રતીક હોય તો તે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા વિરોધી દેશોના ધ્વજ પણ આ ભૂમિ પર કેટલાક લોકોને ફરકાવતા જોઈએ છીએ. એવી પરિસ્થિતિ ઊભી કરી આપણો ધ્વજ ભુલાય ન જાય તેવું ષડયંત્ર રચાતું પણ હોય? એવું લાગ્યા વિના રહેતું નથી. તેથી દર વર્ષે 22 જુલાઈએ આ દિન યાદ કરવો ખૂબ જરૂરી બન્યો છે.

આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો અને વચ્ચે અશોક ચક્ર નું સંયોજન ખૂબ ચર્ચા વિચારણા અને બૌધિક એરણ પર ચકાસીને એને મંજૂર કરવામાં આવ્યું છે. આજે આપણો દેશ જે વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં સોશિયલ મીડિયા દ્વારા અતિશયોક્તિ અને અપ્રચાર ભર્યા જ્ઞાન ભંડારને કારણે લોકો બીજા જાતજાતના ધ્વજ ના રંગીન પ્રભાવમાં પોતાના ધ્વજ નું મૂલ્ય ઓછું આંકે છે, એવું એમના વાણી -વર્તન માં જણાઈ આવે છે. એ માટે પણ ધ્વજ દિનનું મહત્વ ગણાવું જોઈએ.

એની રંગ પ્રતિભા માં કેસરી રંગ સૌથી ઉપર દર્શાવ્યો છે તે હિંમત અને બલિદાન સાથે વફાદારી સૂચવે છે, વચ્ચે આવેલ સફેદ રંગ શુદ્ધતા અને એમાં ઘટ્ટ ભૂરા રંગનું અશોક ચક્ર એ કાયદાનું ન્યાય ચક્ર છે તે ગતિ દર્શાવે છે અને નીચે લીલા રંગનો પટ્ટો કુદરતની પવિત્રતા અને ફળદ્રુપતા દર્શાવે છે.

2002માં ધ્વજ સંહિતા જાહેર કરવામાં આવી છે, તેના આદર અને સત્કારના નિયમો પાળીને કોઈપણ ભારતનો નાગરિક ધ્વજ પ્રદર્શિત કરી શકે છે, એવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે. આ ધ્વજના દર્શન કરીને આપણે દરેક નાગરિકો સ્વાતંત્ર સંગ્રામના બલિદાન અને સંઘર્ષને યાદ કરતા રહીએ એ આજની જરૂરિયાત છે. આ ધ્વજ દરેક ભારતીય નું ગૌરવ અને આઇડેન્ટીટી પ્રસ્તુત કરે છે આપણા સૌ માટે આ ત્રિરંગો પાવરફુલ ઉર્જા આપતો રહે છે એને જાણીએ, માળીએ અને સન્માન કરીએ.
-જય હિન્દ.