તારીખ 26,નવેમ્બર. 125 થી વધુ વર્ષોથી ચાલ્યા આવતા સ્વતંત્રતા ના સંઘર્ષ નું પરિણામ એટલે આઝાદી. આઝાદ દેશમાં નાગરિકોના સન્માન અને ગૌરવ તથા વ્યવસ્થા જાળવતું “પવિત્ર પુસ્તક” એટલે ભારતનું બંધારણ જેનાં સંકલન કર્તા તરીકે બાબાસાહેબ આંબેડકર નું નામ અગ્ર પંક્તિમાં મુકાયેલું છે. તેથી બંધારણ અને આંબેડકર સાહેબને યાદ કરવાનો આ દિવસ એટલે બંધારણ દિવસ.
આ દિવસ એટલે દરેક ભારતીયોને પ્રોગ્રેસિવ લાઇફ જીવવા પ્રેરકબળ આપતું બંધારણ, તે ગુલામી નો ત્યાગ કરી નવો માર્ગ કંડારવામાં પથદર્શક છે. એ કારણે ભારતમાં બંધારણ દિવસ મનાવવામાં આવે છે.
દેશનું બંધારણ એ સ્થૂળ નથી એ જીવંત છે. એ બદલાતું રહે છે કારણ કે સમય બદલાતો રહે છે બંધારણમાં બદલાવ ના ફેરફારોને માટે બંધારણ દ્વારા જ પૂરતો અવકાશ હોય છે. કારણ કે બંધારણનું કામ “રાજ-સત્તા” ચલાવવાનું નહીં પણ લોકોને સ્વતંત્રતા નો અનુભવ કરાવવાનું છે. સ્વતંત્રતા એટલે જ જીવનમાં ગુલામી-વિહીન શાંતિ.
ભારતનું બંધારણ વિશ્વના ઘણા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા પછી બનાવવામાં આવ્યું છે. આ બંધારણ જેટલી સ્વતંત્રતા અને ઉચ્ચકક્ષાના સાર્વભોમ મૂલ્યો બીજા કોઈ બંધારણમાં જોઈ શકાતા નથી. વિદેશના લોકો વિદેશની સ્વતંત્રતા સ્વચ્છતા અને સુંદરતા ના વખાણ કરે છે પરંતુ તેઓ ભારતની સ્વતંત્રતા જેવી અનુભૂતિ કરતા હોતા નથી. છતાં જે ભૂમિ પર એમની રોજી રોટી મળે છે તેનું ચયન કર્યા કરે છે.
આ દિવસ 26 નવેમ્બર, 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું, જે દેશના પ્રજાસત્તાક ના બદલાવને ચિહ્નિત કરે છે.
બંધારણ દિવસ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ છે. જેમણે ભારતીય બંધારણને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દિવસનો ઉદ્દેશ્ય નાગરિકોમાં બંધારણીય મૂલ્યો, અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
અરિસા સામે ઉભા રહીને હ્રદય પર હાથ મૂકીને પોતાના આત્માને પૂછો કે શું સ્વતંત્ર છું ? કે ગુલામ? એનો બીજો અર્થ એ પણ થાય કે હું બીજા ભારતીયોની સ્વતંત્રતા ને ભાગીદાર માનીને એમનું સન્માન કરૂં છું કે કેમ?
(આજે એકજ અપીલ છે કે બંધારણ વિરોધી દરેક પ્રવૃત્તિને કડક હાથે દાબી દેવામાં આવે. એવો અવાજ ભારત ભૂમિ ના પેટાળ માં થી આવી રહ્યો છે- વિલ્સન સોલંકી)