ગાંધીનગરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનને નામે હંગામો

જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલા તા.૬/૫/૨૪ ના રોજ સાંજે ૮-૦૦ વાગે, ગાંધીનગરના સેક્ટર 5 માં આવેલી બિલ્ડીંગના ભોંયતળિયામાં એક ધાર્મિક પ્રાર્થના સભા ચાલી રહી હતી. તેમાં એકત્ર થયેલ ખ્રિસ્તી લોકોની સભામાં કહેવાતા બજરંગ દળના યુવાનોએ ધર્મગુરુ અને ભેગા થયેલા લોકોને સભા બંધ કરાવવા કડક શબ્દો વાપરીને કહ્યું હતું. તેમાં બજરંગ દળનું કહેવું છે કે આ જગ્યાએ દાહોદ, ઝાલોદ થી મજૂરીના કામ માટે આવેલા આદિવાસીઓને ભેગા કરીને તેમનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેથી ચાલુ પ્રાર્થનાસભામાં નારા લગાવીને તેમની સભા બંધ કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું.

આ બનાવની જાણ ત્યાંના ખ્રિસ્તી ધર્મગુરુ પાસ્ટરે પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને બંને પક્ષોના લોકોને પોલીસ સ્ટેશનને હાજર કરવામાં આવ્યા હતા અને તેઓના પ્રશ્નો અને જવાબો સાંભળીને તેઓની વાત સમાધાન કરી વાત થાળે પાડવામાં આવી હતી.

બજરંગ દળના લોકોએ આરોપ મૂક્યો હતો કે અહીં ભોળા આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે તેની સામે ખ્રિસ્તી ચર્ચ ના આગેવાનો તરફથી જવાબ લખાવ્યો છે કે પ્રાર્થના સભામાં કોઈ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું નથી. ભેગા થયેલા બધા લોકો એક જ (આદિવાસી) ખ્રિસ્તી સમાજના છે તેથી પ્રાર્થના કરવા અમે સભા માં અમે મળ્યાં હતાં. પોલીસે જ્યારે વ્યક્તિગત લોકોને પૂછતા તેમણે જવાબ આપ્યો કે “અમે બધા ત્રણ ચાર પેઢીથી ખ્રિસ્તી ધર્મ પાળતા આવ્યા છીએ” તે સાંભળી મામલો શાંત પડ્યો હતો.

ગાંધીનગરમાં રહેતા અમારા સંવાદદાતાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે બજરંગ દળની ફરિયાદ છે કે આવી સભાઓમાં હિન્દુ દેવી-દેવતાઓની આડકતરી ભાષામાં વગોવણી કરવામાં આવે છે તથા મૂર્તિ પૂજા વિરુદ્ધ લોકોને “મૂર્તિપૂજા મહાપાપ છે” તેમ કહીને લોકોને ઉશ્કેરવામાં આવે છે તથા એનકેન પ્રકારે ગરીબ મજૂરોને જાતજાતના “પ્રલોભનોની વાતો” કહીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. એવો આરોપ દળના આગેવાનોએ કર્યો હતો. વધુમાં એમ પણ જાણવા મળે છે કે વિવિધ વાતો માં આ લોકોનું બ્રેનવોશ કરવામાં આવે છે. પોલીસ તપાસમાં બધા મજૂરો ના નામ જાણીને તેઓ હિન્દુ હોવાનો જણાયું છે એ જોતા એવી શંકા મજબૂત બને છે કે આ ધર્મ પરિવર્તન નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમને વ્યવસ્થિત રૂપ આપવા અહીંના લોકલ પાસ્ટરો તથા અન્ય ચર્ચના લોકોનો પણ સહકાર હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રશ્ન તપાસ માગી લે તેવો છે.