આધુનિક ટેકનોલોજી માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે આ ટેકનોલોજી દ્વારા સાયબર ક્રાઇમ માં ઉપયોગ શરૂ થઈ ગયો ઘટનાઓના આધારે જાણવા મળે છે.
કેવીરીતે થાય છે સાયબર ક્રાઇમ?
ફોન દ્વારા સાઇબર ઠગ બનાવટી અવાજના રેકોર્ડિંગ દ્વારા મા બાપના રૂપિયા પડાવતા હોય છે. દા.ત. કોઈ કુટુંબમાં બપોરે મોબાઈલ ઠગ ફોન કરે છે કે તમારો દીકરો બળાત્કારના કેસમાં ફસાયો છે. હું ફલાણા પોલીસ સ્ટેશન પરથી ફલાણો ઓફિસર બોલી રહ્યો છું તેને છોડાવવા બે લાખની તાત્કાલિક જરૂર છે અને બે મિનિટમાં જો તમે રૂપિયા નહીં મોકલો, તો તમારો દીકરો જેલના સળિયામાં અને કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ જશે.
આ સાંભળો તમારા છોકરાનો અવાજ જે અત્યારે પોલીસના સળિયા પાછળ હાથે સાંકળ બાંધેલી હાલતમાં બેઠેલો છે અને જો તમને વિશ્વાસ ન હોય તો આ તમારા દીકરા નો અવાજ સાંભળો એમ કહીને બનાવટી (AI) અવાજ તેને સંભળાવવામાં આવે છે.
છોકરાનો અવાજ સાંભળીને મા બાપ માની લે છે કે આ મારા જ દીકરા નો અવાજ છે. તેનાથી તેમને વિશ્વાસ બેસે છે કે ઘટના સાચી બની છે. છોકરાનો અવાજ સાંભળતા જ છોકરો કહે છે “હું તમારો દીકરો (નામ) છું અને મને કોઈક દ્વારા ફસાવી દેવામાં આવ્યો છે, તમે ઝડપથી માગેલા રૂપિયા મોકલી દો અને મને છોડાવો, સમય બગાડશો નહીં.
આટલો અવાજ સાંભળીને મા બાપ સાચુ જ માની લે છે. પણ સમજવા જેવું છે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા રેકોર્ડિંગ થયેલો અવાજ ડુપ્લીકેટ અવાજ હોય છે. જે એમ જ લાગે છે કે પોતાનો જ બાળક આ વાત કરી રહ્યો છે. એ દરમિયાન ગઠીયાઓ એના અંગત ફોન ઉપર બીજી કોઈ કામ ધંધાની વાત કરીને તેનો ફોન એન્ગેજ રાખે છે કે જેથી કરીને મા-બાપ દ્વારા તેને ફોન લાગી શકતો નથી અને એમને ચોક્કસ એવું લાગે છે કે આ સાચા પોલીસ ઓફિસરનો જ સાચો ફોન છે અને હેબતાઈ ગયેલા મા-બાપ આ બબાલમાંથી છૂટવા માટે માગેલા રૂપિયા એક બે લાખ તરત જ તેમને ઓનલાઇન મોકલી દે છે અને આ બબાલથી છૂટી જવાની સંતોષ મેળવે છે.
આવા કિસ્સા દિવસે દિવસે દુનિયાના ઘણા દેશોમાં તથા ભારતમાં પણ વધતાં જાય છે. આ પદ્ધતિને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની સાઉન્ડ ક્લોનીગ પદ્ધતિ કહે છે. અવાજનું ડુપ્લિકેશન આ ખાસ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે આવતા દિવસોમાં એવું પણ બને કે અવાજ સાથે વિડીયો પણ જોવા મળે તો નવાઈ નહીં. રજૂઆત માં અવાજ એટલો પરફેક્ટ હોય છે કે સગા મા બાપ પણ અવાજ સાંભળીને માની લે છે કે તે તેના દીકરા દીકરીનો જ અવાજ છે.
મધ્યપ્રદેશમાં બનેલી એક ઘટનામાં બે દીકરીઓને અવાજ રેકોર્ડિંગ કરીને રૂપિયા 50,000 છેતરીને પડાવી લીધેલા છે. ફોન ઉપર બોલનાર પોલીસ અધિકારી ની ઓળખ આપતા જ સામાન્ય માણસનો પરસેવો છૂટી જતો હોય છે, એની સાથે જ તેમની દીકરીઓ નો અવાજ પણ એકદમ વાસ્તવિક સાંભળવા મળે છે.
સાયબર ગુંડાઓ આ રીતે દિવસમાં 10 15 ફોન કરીને તેમાંથી ચાર પાંચ લોકોને સફળતાથી છેતરી શકતા હશે? આવા ગુનાઓમાં જે તે નંબર ની ફરિયાદ કરતાં પણ તે નંબર લાગતો હોતો જ નથી. પોલીસ પાસે ફરિયાદ નોંધાવાથી પણ એની કોઈ લીંક પોલીસને મળતી નથી તેથી આવા ગુનેગારોને પકડવા ખૂબ મુશ્કેલ તથા ઘણું ખર્ચાળ થઈ જાય છે.
50000 ના ગુનેગારને શોધવા નીકળે તો તેના કરતાં સમય અને નાણાં નું ઘણું નુકસાન સરકારને ભોગવવું પડતું હોય છે. આવા એક બે ગુન્હાઓ નહીં પણ અસંખ્ય ફરિયાદો સાયબર ક્રાઇમના ચોપડે નોંધાતી રહે છે. માટે આનાથી બચવા એક જ રસ્તો છે કે લોકો જાગૃત રહે. પોતાના મનને મક્કમ રાખે તથા હંમેશા સતર્ક રહે. તે જ એક આપણો બચાવ છે.