ખ્રિસ્તીઓનો ઉત્સવ ઈસ્ટર એટલે “ઈસુ ખ્રિસ્તનુ પુનર્જીવિત થવું” ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રે આ તહેવાર ખ્રિસ્તી સમાજમાં બહુ મોટું મહત્વ ધરાવે છે. સાચા ખ્રિસ્તીઓ ગુડફ્રાઈડે માં ઈસુના મરણ અને વેદના ને ખરા હૃદયથી યાદ કરે છે અને ત્રીજે દિવસે શાસ્ત્રાનુસાર ઈસુ પુનર્જીવિત થયા તે વાતને ખૂબ સત્યતાથી પાળે છે. નાતાલના તહેવાર કરતા ઈસ્ટર ખૂબ આત્મિક ભક્તિ ભાવથી ખ્રિસ્તીઓ પાળતા આવ્યા છે. આ પર્વના દિવસો કેલેન્ડર પ્રમાણે તારીખ, મહિના પ્રમાણે નહીં પણ અઠવાડિક વાર પર ગોઠવવામાં આવે છે. અલગ અલગ ચર્ચ સાથે જોડાયેલા ખ્રિસ્તીઓમાં આ દિવસ એક સરખી રીતે મનાવવામાં આવે છે.
આજે ત્રીજે દિવસે મરણ પામેલા ઈસુ પુનર્જીવિત થયા છે એ આ દિવસનો મુખ્ય આધાર છે. શેરી તથા દેવળોમાં ઈસુના પુનર્જિત થયાનો આનંદ ઉજવવામાં આવી રહ્યો છે. ઈસુનું ઉઠવું, પુનર્જીવિત થવું એ આધુનિક દ્રષ્ટિએ વિચારવા જેવો પ્રસંગ છે, એ જીવનના ઘણાં પાસાં સાથે જોડાયેલો છે. રાજકીય સામાજિક અને આધ્યાત્મિક પાસાં ઓ પર અસર કરે છે.
આજથી લગભગ 2000 વર્ષ પહેલા ઇઝરાયેલમાં બનેલી આ ઘટના છે. પુનર્જીવિત થયેલા ઈસુની વાત વિશ્વ પ્રસિદ્ધ છે. “ઈસુ ઉઠ્યા છે, ઈસુ ઉઠ્યા છે,” ફક્ત બોલીને આ દિવસને ઉજવવો યોગ્ય નથી આ એક દિવસની વાત નથી. ઈસુ ઉઠયાની ઘટના કાયમ માટે અને રોજેરોજની છે. આ જમીન સાથે જોડાયેલી વાત છે. તો જે જમીન પર ઉભા રહો છો તેની વાસ્તવિક વાત કરવાની જરૂર છે, કાલ્પનિક જગતમાં આંખો બંધ કરીને ગાડરિયા પ્રવાહ સાથે દોડે રાખવાની જરૂર ખરી?
શું ઈસુ ખરેખર ઉઠ્યા છે એવું માનતા હો તો
૧-આત્મિક બાબતો અને ૨-જગતની બાબતોને અલગ કરતા શીખી લો સ્વાર્થી લાભમાં સિદ્ધાંતોની આપણે કરેલી ભેળસેળ, આપણી જ નવી પેઢીના યુવાનો ને ખોટો મેસેજ આપી, આત્મિક જીવનો ને બરબાદ કરી રહી છે.
ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા તેના બે દિવસ પહેલા તેના મરણ વખતે એક ચમત્કાર થયો હતો કે યરૂશાલેમના મંદિર નો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો તેનો મતલબ હું એવો કરૂં છું કે ઈશ્વર અને માનવી વચ્ચેનો અદ્રશ્ય દિવાલરૂપી ભેદ હટી ગયો, એનો અર્થ એ થયો કે બધું પારદર્શક થયું. માટે ઈસુનું પુનર્જીવિત થવું માનતા હો તો જીવનમાં પારદર્શકતા લાવો અને પારદર્શકતા નો આગ્રહ રાખો ઈશ્વરે એના પુત્રનું લોહી વહેવડાવી પાછો ઉપર બોલાવી લીધો એણે પૃથ્વી પર ઘણા દાખલા, દલીલો અને વિચારોની હારમાળા નું અર્પણ આ જગતને કર્યું. આ ઈશ્વરીય સંકેત છે જે દરેક ખ્રિસ્તી માણસે જાણવાની જરૂર છે. એ જાણવા આપણું મન જાગૃત રહેવું જરૂરી છે, જાગૃત મન હશે તો વધુ સમજી શકાશે. એ રહસ્ય સમજવા કોઈ મધ્યસ્થ, ગુરુ કે ધર્મગુરુ ની હવે જરૂર નહીં નથી. કારણ કે આપણા હ્રદયમાં “ઈસુ ઉઠ્યા છે” (*ભાષણો સાંભળવા જોઈએ એ વાત હું નકારતો નથી)
વ્યક્તિ-વ્યક્તિએ મગજ જુદા હોય છે કહેવાય છે કે “તુંડે તુંન્ડે મતિર્ભિન્ના” બધા ઘેટાને એક લાકડીએ હંકારી શકાશે નહીં. ઈસુ ઉઠ્યા હોય અને તમારૂં મન જાગૃત નહીં હોય તો ઈશુ ઉઠ્યા એવી માન્યતા નો કોઈ અર્થ રહેતો નથી. જમીની સ્તરે જીવતા શીખી લઈએ.
અમુક લોકોને આ વિચારથી તકલીફ થશેે કેમકે તેમને તો લોકોને અવાસ્તવિક જીવનમાં તમને તરતા રાખવાં છે પણ જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે જમીનની અજાણી વાસ્તવિકતા ખૂબ ભારે પડી જાય છે અને અસહ્ય કષ્ટમય લાગે છે, ત્યારે જોવા જેવી થાય છે માટે “ઈસુ ઉઠ્યા છે.” એ મજાક નથી. (તંત્રી)