ભારતમાં ‘આતંકવાદ’ પછી બીજું નામ ધ્યાનમાં આવે છે એ છે ‘નક્સલવાદ’ એને માઓવાદી કોમ્યુનિસ્ટ નકસલવાદ પણ કહે છે.
થોડાક વખત પહેલા એક ફિલ્મ જે સારી એવી ચર્ચા કરાવી ગઈ તે હતી “ધ બસ્તર નક્સલ સ્ટોરી” બસ્તર નામ હમણાં સુધી એટલું પ્રસિદ્ધ ન હતું પણ આ ફિલ્મ આવ્યા પછી બસ્તર નામ ચર્ચાનો વિષય બન્યું છે. બસ્તર વિસ્તાર ગાઢ જંગલોનો વિસ્તાર છે, એ છત્તીસગઢ રાજ્યનો એક જિલ્લો છે, જ્યાં વીજળી જેવી પણ સગવડ નથી એવું કહેવાય છે, તેવા અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે, ત્યાં અવિકસીત પ્રસાધનો વચ્ચે આદિવાસીઓ વસવાટ કરે છે. વિશેષમાં જંગલરાજ માં શોષણ કરતાં નક્સલવાદીઓનું વર્ચસ્વ તોડવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. એમાં નક્સલીઓને સામાન્ય પ્રવાહમાં પાછા ખેંચી લાવવા પણ યોજનાઓ છે, તેમાં ઘણી સફળતા મળી છે. એમ છતાં નક્સલીઓથી પુરો છુટકારો મેળવવા સરકારે ઉગ્રતાથી કામ લેવું પડે તેવો ઘાટ થયો છે. આજકાલ સરકાર અને નક્સલવાદીઓ ની વચ્ચે ઝપાઝપીના બનાવો બનતા રહે છે.
નક્સલવાદીઓ ની કૃરતાની ઓળખ બસ્તર ફિલ્મમાં જોવા મળે છે. આ બધા રાજ્યોમાં જળ, જમીન, જંગલ ના પ્રશ્નો સળગતા પ્રશ્નો રહ્યા છે પણ નક્સલ પ્રભાવિત છત્તીસગઢ ના આદિવાસીઓ બિલકુલ પછાત જીવનશૈલી માં જીવન વ્યતિત કરી રહ્યા છે. નક્સલવાદીઓની સામે ભારતીય સૈન્ય યુદ્ધની જેમ ગોઠવવામાં આવેલું છે.
ભૂતકાળની સરકારોમાં પણ આ એક પ્રશ્ન ઘણો જટિલ ગણાતો હતો અને એ વખતે પણ નક્સલવાદને ખતમ કરવા સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. એ સમયે પણ ઘણા નક્ષલવાદીઓ એ સરકારી શરણ સ્વીકાર્યું હતું. આજની સરકારે નક્સલવાદને ખતમ કરવા સંકલ્પ લીધો છે, દર અઠવાડિયે કે પંદર દિવસે નક્સલવાદીઓ સામે ભારતીય સૈનિકો અફરાતફડીમાં મરણ પામતા સમાચાર સાંભળવા મળે છે. છેલ્લા સમાચાર પ્રમાણે બસ્તરના કાંકેર વિસ્તારમાં થયેલી ગમખ્વાર ઝપાઝપીમાં નાગેશ નામનો એક નક્સલ કમાન્ડર માર્યો ગયો છે. પ્રતાપપુરા ના ગાઢ જંગલોના આ ખૂંખાર કમાન્ડર ના માથે 10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેને અને તેના કેટલાક સાગરિતોને સેનાએ પડકાર્યા હતા.
નક્સલી પ્રભાવ ક્ષેત્ર પૂર્વ ભારતથી છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને પૂર્વ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી ફેલાયેલું હોવાનું જાણવા મળે છે. આ બધા વિસ્તારો આદિવાસી વિસ્તારો છે અને તેથી ત્યાં નક્સલવાદ ફુલ્યો ફાલ્યો હોય તેવું કેટલી ઘટનાઓ ઉપરથી માનવામાં આવે છે.
નક્સલી આદિવાસીઓનો આ વિસ્તાર આખા ભારત દેશને બે ટુકડામાં વહેંચી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આદિવાસી વિસ્તારને સરકાર ખૂબ ગંભીર જોખમ માની રહી છે, તેથી એની ઉપર સુરક્ષા દળોની ચાંપતી નજર રાખવામાં આવે છે. આ આદિવાસી કોરિડોર ને જલ્દી કાબુમાં લેવા માં આવે એટલું ભવિષ્યની દેશની સુરક્ષા માટે અગત્યનું છે. એવું કેટલાક બુદ્ધિજીવીઓનું માનવું છે. દેશને તોડનાર તત્વો આ સુરક્ષા કાર્યને નું ધ્યાન ચલિત કરવા, તેના કાર્યને ખંડિત કરવા ભારત દેશની બોર્ડર વાળા કેટલાક રાજ્યોમાં જેમ કે લડાખ અને મણીપુર- મ્યાનમાર ની બોર્ડર ઉપર નાના-મોટા રાજકીય સવાલો ઊભા કરી ભારતનું ધ્યાન વિભાજિત કરવા માંગે છે અને ત્યાં નાના મોટા બનાવો પણ બની રહ્યા છે. જોકે હાલની સક્ષમ સરકાર આ પ્રશ્નોને મૂળમાંથી સમજી ચૂકી છે અને ભવિષ્યનું ભારત સુરક્ષા સુરક્ષિત હોવાની આશા બંધાઈ રહી છે એમાં બે મત નથી.
નવાઈની વાત એ છે કે માઓવાદી નક્સલ પ્રભાવિત જંગલમાં આદિવાસી અભણ કહેવાય છે પણ ઘણી જગ્યાએ એવાં પોસ્ટરો લટકાવેલા જોવાં મળ્યાં છે જેમાં લાલ રંગના પાટિયા પર સિલ્વર રંગ થી લખેલા માઓવાદી વિચારો છે, તે આશ્ચર્ય પમાડે છે અને વિચારવા જેવું પણ છે કે ગીચ જંગલો વચ્ચે શિક્ષણનો અભાવ માનવામાં આવે છે, ત્યાં અંગ્રેજી ભાષામાં કોણ વાંચતું હશે? તે એક વિચારવાનો તથા સુરક્ષાનો વિષય પણ છે.