મિત્રો, ઊનાળો ૪૦°થી જ શરૂ થઈ, એના અસલી મિજાજમાં આવી ગયો છે. આપણી આસપાસ જાણે ભઠ્ઠી સળગી રહી હોય તેવી પરિસ્થિતિ છે. ખાસ કરીને નાના બાળકોને અચાનક આ રૂતુ માં તાવ આવી જતો હોય છે, મેલેરિયા કે સાદો તાવ છે કે વાઈરલ તાવ ? એવી મુંઝવણ માં સાદા તાવની ગોળીઓ આપી છતાં તાવ ન ઊતર્યો. એક બે નાના દવાખાનાઓમાં બતાવી આવ્યા પણ ટેમ્પરેચર 103 104 સુધી પહોંચી જતું હતું. માથા પર ઠંડા પાણીના પોતા મૂક્યા પણ તાવમાં કંઈ ફેર પડે નહીં. આ સમયે “લૂ” લાગી હશે તેવી નાની વાત સ્વાભાવિક રીતે ધ્યાન પર આવતી નથી.
“લૂ” લાગે એટલે તાવ આવે, શરીર માથુ ખુબ દુખે, કમજોરી લાગે, આપણે એમ સમજીએ કે તાવ નો ચેપ લાગ્યો છે અને ગભરાઈને દોડધામ મચાવી દઈએ એવું બને છે.
મને આ પરિસ્થિતિમાં આ વાત યાદ કરાવવાની જરૂર લાગી. ઉપર પ્રમાણેના લક્ષણો જણાય ત્યારે ભલે ડૉક્ટરની દવાઓ કરીએ સાથે તાવ મટાડવા નો દેશી ઉપચાર પણ ઘેર કરી લઈએ. કદાચ એવું બને તે ફક્ત “લૂ” જ લાગી હોય તો તમે બીજી દોડધામ ની તકલીફોમાંથી બચી જાઓ. “લૂ” લાગે ત્યારે ઘરગથ્થુ ઉપાય આપણા ઘરમાં જે વડીલ છે તેઓ અને આસપાસ રહેતા ઉમરલાયક ભાઈ-બહેનો જાણતા હોય છે.
“લૂ” નામના તાવ જેવાં રોગ નું નિદાન થયું નથી. કારણ કે મેડિકલ સાયન્સ પરિભાષા માં તેના લક્ષણો નો સમાવેશ થયો નથી. તેથી તેની કોઈ દવા શોધાઈ નથી. આપણા પૂર્વજો વર્ષોથી “લૂ” સાથે જીવતા શીખી ગયા છે. જો ભારે “લૂ” લાગી હોય તો એ ગંભીર રૂપ લઈ શકે છે. સન સ્ટ્રોક થી મૃત્યુ થયું તેવા સમાચાર પણ જાણવા મળે છે. ગરમી ના બપોરનાં ગરમ અને સૂકા વાતાવરણમાં ઘરની બહાર નિકળવાથી “લૂ” લાગવાની ઘટના બને છે. ઘરની અંદર પંખાની ગરમ હવા ને કારણે પણ “લૂ” લાગી શકે છે. ખાસ કરીને શારીરિક નાદુરસ્ત નાનાં બાળકો ને “લૂ” લાગવાની શક્યતા વધારે હોય છે.
ઘરમાં કે પરિવાર માં નાના બાળકોને “લૂ” લાગે છે એ સમયે આપણે વિચારીએ છીએ કે આ બાળકને લઈને અમે બહાર ક્યાંય ગયા નથી તો “લૂ” લાગી શકવાની નથી, પણ નાના બાળકને ગમે તે રીતે લાગી શકે છે. ઘણીવાર કહી નહી શકતું નાનું બાળક ખૂબ જ રડતું હોય છે ત્યારે પણ “લૂ” લાગી હોય તેવું વિચારવું જોઈએ.
સામાજિક વડીલોનું કહેવું છે કે “લૂ” થી બચવા માટે સવારે 11 વાગ્યા પછી તથા સાંજે લગભગ પાંચ વાગ્યા પહેલાં ઘરની બહાર કામ કરવા નીકળવું ટાળવું જોઈએ. સ્નાન કર્યા પછી ઘરમાં સિલિગ ફેન માં આવતી ગરમ હવા નીચે ઉભા રહેવાથી પણ “લૂ” લાગી શકે છે. કાચી કેરી નું કચુંબર, ડુંગળી, છાસ ખાવાથી તથા ખુબ જ પાણી પીવાથી “લૂ” સામે પ્રતિકારક શક્તિ મળે છે.
આવા કિસ્સામાં ઘેર બેઠા “લૂ” ઉતારવાનો સરળ ઉપાય છે તે છે અનાજ સાફ કરવા ઉપણવા વપરાતું સૂપડું. આપણે આપણા બા, દાદી ને સુપડા નો ઉપયોગ કરતા જોયા છે. સૂપડું નજીવી કિંમતે બજારમાં મળે છે. “લૂ” ના દર્દી ને જમીન પર સુવાડી સુપડા માં પાણી છાંટી ને ઝાપટ મારવાથી તેનાં શરીરમાં ઝણઝણાટી વ્યાપી જાય છે. એનાથી “લૂ” ઉતરી જાય છે અને દર્દી ની મિનિટોમાં રાહત થઈ જાય છે.
એમાં બરફ નું ઠંડુ પાણી નો ઉપયોગ પણ કરી શકાય છે. દર્દીને એકદમ ઠંડો પવન લાગતા શરીર એકદમ ચમકી જાય છે એના ચેતના કેન્દ્રો જાગૃત થતાં, બાકીનું કામ શરીર જાતે સંભાળી લે છે અને દર્દીને આરામ મળે છે.
(જોકે આ સાથે બીજી શારિરીક તકલીફ દેખાતી હોય તો નજીકનાં સ્વાસ્થ્ય કેન્દ્ર માં પહોંચી જવામાં ઢીલ કરવી નહીં એવું મારું સૂચન છે.)
હા, ઘરગથ્થુ અને દેશી ઉપાય જે ઘણીવાર આપણા ધ્યાન બહાર જતો રહે છે આ લેખમાં તે યાદ કરવાનો આ એક પ્રયાસ છે.