ઇઝરાયેલ ની સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો

ઇઝરાયેલ ની સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે “ધાર્મિક વિદ્યાર્થીઓને પણ સેનામાં ભરતી કરો”

સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે એક ચુકાદો આપીને ઇઝરાયેલ સરકારને જણાવ્યું છે કે એ યહૂદીઓ જેઓ ધાર્મિક અભ્યાસમાં લાગેલા છે તેઓએ પણ જ્યારે સુરક્ષાની જરૂર હોય ત્યારે સૈન્યમાં જોડાઈ જવું જોઈએ.

આ વિશે આપણે ભારતીઓ એટલું જાણીએ છીએ કે ઇઝરાયેલના નાગરિકો માટે નાની ઉંમરથી જ સૈન્યની તાલીમ લેવાની ફરજિયાત હોય છે. તેવું જાણીને અચંબો પામી જઈએ છીએ. પરંતુ ત્યાં પણ લગભગ ભારત જેવી જ અમુક રાજકીય પરિસ્થિતિ ઉભી છે, કારણ કે ત્યાં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ચર્ચાઓ, વિરોધ દેખાવો, વિરોધ માટે રોડ ઉપર દેખાવો થવા લાગ્યા છે‌. જેઓ ધાર્મિક અભ્યાસુઓ છે તેઓને કેમ સૈન્ય ની મદદમાં ન મોકલવા? આ બાબત પર ઘણી ખેંચતાણી થઈ રહી છે.

યહૂદી પ્રજામાં ધાર્મિક ઊંડો અભ્યાસ કરનારા એક જાતના વિદ્યાર્થીઓ જેઓને “યેશિવાસ” કહેવાય છે તેઓને પરંપરાગત વર્ષોથી લશ્કરી સેવાથી મુક્તિ આપવામાં આવી છે તેથી કરીને સમયના બદલાતા વહેણમાં આધુનિક સેક્યુલર યહૂદીઓએ પણ આ મુદ્દાને ચર્ચાના એરણ પર લીધો હોય એવું લાગે છે. જો (મુસ્લિમોની મદ્રેસા જેવી) યહૂદી ધાર્મિક શાળાઓ “યેશિવાસ” માં જેઓ જોડાયેલા છે તેઓને પણ યુદ્ધ સ્થિતિ જેવી કપરી પરિસ્થિતિમાં સૈન્યની સહાયમાં આગળ આવવું જોઈએ. તેવું સરકારી વર્તુળોમાં વિચારણા કરવામાં આવી રહી છે.

કેટલાક સ્થાનિક જાણકારો પાસેથી પુછપરછ માં જાણવા મળ્યું કે ઈઝરાયેલમાં પણ ઘણા વિચાર- જૂથો અસ્તિત્વ ધરાવે છે. ઇઝરાયેલ વિશે આપણા દેશમાં અથવા દુનિયાના છેડા પર બેઠા આપણને આવી અક્સા મસ્જિદ, ગોલગથા, બેથલેહેમ અને રુદનની દિવાલ સિવાય બીજી કંઈ ખબર નથી ત્યારે આ વાત ઘણી ઉત્તેજના પમાડતી લાગે છે. દુર બેઠાં એમજ લાગે કે ઈઝરાયેલીઓ માં એમના વિરોધીઓ સામે જબરજસ્ત એકતા છે.

ત્યાં રાજકીય સ્થિતિ ઘણી ઉથલપાથલ થાય એવી છે, “સાચા ઈશ્વરને માનવાવાળા નો દેશ” તરીકે વિશ્વના દેશોમાં તેને માન્ય ગણવામાં આવે છે, ત્યારે આપણા મગજમાં ઘર કરી ગયેલાં ભ્રમ તુટી જાય છે અને વાસ્તવિકતા કંઈક વિપરીત જોવા મળે છે.

ખ્રિસ્તી ધર્મના બાઇબલમાં પણ આપેલાં એ યહુદી ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરનારા અભ્યાસુઓ “અલ્ટ્રા – ઓર્થોડોક્સ” કહેવાય છે. તેઓ નામ પ્રમાણે એટલે કે જડતા ભર્યા વિરોધીઓ લાગે છે. હિબ્રુભાષામાં આવા લોકોના જૂથને “હેરેડીમ” કહેવામાં આવે છે. આ લોકો ‘કડક ધાર્મિક પાલન તથા પોતાના સિદ્ધાંતોને અંત સુધી વળગી રહેનારા’ જેવી કડક જીવન શૈલી વાળા જૂથ તરીકે વિશ્વમાં ઓળખાય છે.

સુપ્રીમ કોર્ટે આપેલા હૂકમનો અમલ કરાવતા આ ધાર્મિક અભ્યાસુ લોકો વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ઊતરી આવ્યા હતા અને સૈન્યમાં જોડાવા આનાકાની કરતા હતા. તેથી કરીને નેતાન્યાહુ સરકારે લાલ આંખ કરી છે અને લશ્કરમાં ભરતી કરવા માટે દબાણ ઉભું કર્યું છે. વિશ્વના સમાચાર જગતમાં વિવિધ જાતના પત્રકારો દ્વારા આ વિષયને અનુરૂપ જુદા જુદા પાસાઓ રજૂ કર્યા છે.