માતાની ભૂમિકા માં ડાકણ

સાવધાન: આ દ્રશ્ય આપને વિચલિત કરી શકે છે.

સોશિયલ મીડિયામાં ફરતા વિડીયો ખરેખર તો માનવ સમાજનો અરીસો છે, તેના ફાયદા અને ગેરફાયદા નો જો સરવાળો કરવામાં આવે તો ગેરફાયદા નું પલ્લું નમી જાય છે. આજે માહિતી- વ્યવહાર (કોમ્યુનિકેશન) એટલું સરળ બની ગયું છે જે જરૂરિયાત કરતા વધારે સરળ કહેવાય અને તેને કારણે કેટલીક સારાં કાર્યોનો ભોગ લેવાઈ જાય છે. રૂબરૂ મુલાકાત ને બદલે વિડીયો કોલ કરવામાં આવે છે અને વર્ચ્યુઅલ (ભ્રામક) પદ્ધતિને વાસ્તવિક માની લેવામાં આવી છે, તે અપાકૃતિક હોવાથી ઘાતક છે. ભારતમાંથી વિદેશી ભૂમિ પર વાત કરવાની હોય તો જુદી વાત છે પણ દસ મિનિટ ચાલીને સગાને ત્યાં જવું કે પોતાના સંબંધીઓને રૂબરૂ મળવું એ વધારે વાસ્તવિક ક્રિયા છે, જોકે આ સંબંધોના તાણાવાણા ની વાત છે. રૂબરૂ મળવાની ક્રિયા નાનકડી લાગે પણ તે સાથે જોડાયેલા માનવ સંબંધોના સૂક્ષ્મ તાંતણા વાસ્તવિક જીવનને જીવંત રાખે છે. કમ્યુનિકેશન સરળ થવાથી સંબંધોને બાંધી રાખનાર કડીઓનો ઉપયોગ બંધ થયો અંતે એ કડીઓ નષ્ટ થવા લાગી છે.

આપણા ફોનમાં ફોરવર્ડ થઈ આવતી રોજની અસંખ્ય વિડિયો જોવી પડતી હોય છે. એવી એક વિડીયો ની વાત છે. આજે એક વીડિયો જોવા મળ્યો તે જોઈને મગજમાં જાણે આઘાત લાગ્યો, તેની અસર ઘણા અઠવાડિયા સુધી તો રહેશે. વીડિયોમાં એક માતા (મમ્મી) જેવી દેખાય છે. તે પોતાના જ બાળકને કૃર રીતે મારી રહી છે અને બાજુમાં એક નાનું બાળક ભય મિશ્રિત ભાવ સાથે એ નિહાળી રહ્યું છે. કેટલું ક્રુર દ્રશ્ય? પાંચ સેકન્ડથી વધુ સમય એ વિડિયો મારાથી જોઈ શકાયો નહીં. બિચારા કુમળા ત્રણ-ચાર વર્ષના બાળકે એવું તે કેવું નુકસાન કર્યું હશે કે મમ્મી જેવી લાગતી આ સ્ત્રી તેને દુશ્મનની જેમ મારી રહી છે? શું એ સ્ત્રી ને કોઈ વળગાડ હશે? બાળકને નીચે પાડી નાખવામાં આવ્યું છે, એ વજનદાર સ્ત્રી એની ઉપર ચડી ગઈ છે અને એના મોં પર ખૂબ ફેંટો મારે છે. તેનું ગળું દબાવી રહી છે. બાળક પાણી… પાણી…. ની ચીસો પાડી રહ્યું છે. આ વિડીયો માં આટલી બાબતો દેખાય છે. કદાચ તે મમ્મી ન હોય તો ખબર નહીં પણ સવાલ એ થાય છે કે કોઈ સ્ત્રી પણ આટલી કૃર હોઈ શકે ખરી ?

આજના સમય પ્રમાણે મારૂં માનવું છે કે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બાળકો ઉત્પન્ન થઈ ગયા હોવા જોઈએ. અથવા એ સ્ત્રી પર એના જ પતિ દ્વારા મર્યાદા ઉપરાંત દબાણ થતું હોય શકે? એ હાલના સમય નું ફેલાયેલું સામાજિક દૂષણ છે. બાળક ના પિતા ને આ કૃત્યની જાણકારી હશે કે કેમ? વિડીયો કોઈ પાડી રહ્યું છે તેથી એમ લાગે કે પોલિસ ફરિયાદ માં ક્દાચ આ વિડીયો પુરાવા રૂપે હોય? એવાં સવાલો મનમાં ઘૂંટાયા કરે છે.

‘મધર્સ ડે’ વખતે માતૃસ્તુતિ નો જે વાર્ષિક ઉભરો આવે છે, આ પ્રસંગ પણ એની બીજી બાજુ છે, તે સમયે આવી માતાઓને પણ ભૂલવી જોઈએ નહીં.

એકવાર 60 વર્ષના એક પ્રોઢ અપરિચિત વ્યક્તિએ એના ઘરની જ કહાની મને સંભળાવી હતી તે લગભગ આવી જ વાત હતી. તે મને યાદ આવ્યું. મતલબ કે આ વિડીયો સમાજની, કુટુંબની માનસિકતા ની ચાડી ખાય છે. દેશમાં અને વિદેશમાં આવાં તો અસંખ્ય કિસ્સા બનતા હશે. જેમાં માનવતા નો લોપ થઈ ગયો હોય અને પ્રભુના પ્રતિનિધિઓ જેવાં નિર્દોષ ભૂલકાઓએ અન્યાય સહન કરવોજ પડે છે. કેટલાક સહન કરતા કરતા જીવ પણ ખોઈ દેતા હશે.? પ્રભુ જાણે કયા કયા ખૂણામાં આવી ઘટનાઓ આ ભૂમિ પર બની રહી છે ? શરમ લાગે છે આવી માનવતા પર ? આલેખ લખવાનો આશય માત્ર જાગૃતિ છે. અને એક સમજ કેળવવાનો પ્રયાસ છે.
samajikpath.com news વેબસાઈટ સામાજિક એકતા અને જાગૃતિ માટે પ્રયત્નશીલ છે. -જય હિન્દ