તારીખ 13-08-24 ના રોજ મંગળ દિને પૂર્વ અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું વિરાટનગર થી નિકોલ સુધી આયોજન કરાયું હતું. જાહેરાત પ્રમાણે સાંજના ચાર વાગ્યાથી રાષ્ટ્રપ્રેમી નાગરિકો વિરાટનગર ભેગા થવા લાગ્યા હતા. ખોખરા વોર્ડના સક્રિય ભાજપ કાર્યકરો કાઉન્સિલરો દ્વારા મળતા સમાચાર મુજબ આ યાત્રા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ રીતે પુરી થઈ હતી અને ઉત્સાહભેર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તારીખ 15 મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરના જાહેર સ્થળોએ સુંદર તિરંગા રોશની કરવામાં આવી છે, લોકો રોજ સાંજે ઘેરથી નીકળીને તે જોવાનો લ્હાવો લઈ રહ્યા છે.
તિરંગા યાત્રામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉભરાયો હતો અને ખૂબ જ લાંબા ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ઊંચકીને રસ્તા પર જતા આખી યાત્રા મનોહર લાગી રહી હતી. સૌના હાથમાં તથા વાહનો પર તિરંગો ધ્વજ ફરકાવેલો જોવા મળતો હતો આમ બે દિવસ પહેલાથી આઝાદીનો માહોલ આખા શહેરમાં જામેલો હોય તેવું જોઈ શકાય છે.
આ તિરંગા યાત્રામાં યશસ્વી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે યાત્રામાં હાજરી આપી હતી તેનાથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. તારીખ 8 થી 15 સુધીના દિવસો દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. ધ્વજને વહેંચવાનું ભગીરથ કાર્ય ભાજપના ઉત્સાહી કાર્યકરો અને આગેવાનોએ ઉપાડી લીધું છે. સવારથી માંડીને મોડી રાત સુધી ધ્વજ વિતરણ માં યુવાનો વ્યસ્ત રહેતા જોવા મળ્યા હતા. લોકોમાંથી જેમને જોઈએ તેમને પોતાના ઘર પર ધ્વજ લગાડવા જાહેરાત કરવામાં આવી છે અને વિનામૂલ્યે લોકોને સરકાર તરફથી ધ્વજો આપવામાં આવી રહ્યા છે. અહીં જોઈએ કેટલીક યાદગાર તસવીરોની ઝલક.