યુ.એન હેડ ક્વાર્ટર ન્યુયોર્ક માં મોરારી બાપુની રામકથા

સામાન્ય રીતે પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી ધર્મની સંખ્યા બહુમતીમાં હોવાનું માનવામાં આવે છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ધર્મ આધારિત મોટા ફેરફારો થઈ રહ્યા છે. જેવી રીતે ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે એની સરખામણીમાં પશ્ચિમના ખ્રિસ્તી દેશોમાં ખ્રિસ્તી ‘ચર્ચ’ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. ઘણાં ચર્ચ મુસ્લિમ ધર્મી લોકોએ ખરીદ્યા છે અને કેટલાક હિન્દુ લોકો પણ ખરીદી રહ્યા છે. એ સમાચાર આપણને માટે નવા નથી.

આ સ્થિતિમાં આ માધ્યમ દ્વારા નવા સમાચાર જાણવા મળે છે કે તેની લેવી પડે. ગુજરાત ના ખૂબ જ પ્રખ્યાત રામકથા પ્રવચનકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ થોડાક દિવસો પહેલા ન્યુયોર્ક માં આવેલા યુએન હેડ કવાર્ટર માં ખાસ આમંત્રણથી નવ દિવસની રામકથા શિબિર કરી આવ્યા છે. એ શિબિર નું નામ “માનસ વસુધૈવ કુટુંબકમ્” રાખવામાં આવ્યું હતું, તેમાં અસંખ્ય લોકોને ડાયરેક્ટ તથા ઇન્ટરનેટ મીડિયા માધ્યમથી હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેનો મુદ્રાલેખ “ઈશ્વરની નજરમાં સર્વ માનવ એક પરિવાર છે.” એ આધારે રામકથા નું પ્રવચન આપી પશ્ચિમના દેશોમાં એમાંનો સંદેશ ગુંજવા લાગ્યો હતો.

યુએન સંયુક્ત રાષ્ટ્રના ડેપ્યુટી સેક્રેટરી -જનરલ અમીના મોહમ્મદ, મોરારીબાપુ ને પ્રવચનો દરમિયાન મળ્યા હતા તથા રાજકીય હસ્તીઓ પણ પધારી હતી. પ્રથમવાર બનેલી આ ઘટના હતી. હિન્દુ આધ્યાત્મિક ગુરુએ પશ્ચિમી જગતમાં આ શિબિર સફળતાપૂર્વક યોજીને ધાર્મિક ક્ષેત્રમાં ચર્ચા થઈ રહી હતી.

હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધને કારણે પશ્ચિમી દેશોમાં સામાન્ય જનમાનસ પર જે ભય ઉભો થયેલો છે તે સ્થિતીમા અને મોરારીબાપુની સનાતની વિચારધારા ખૂબ વખાણ પામી એવુ કહી શકાય. આમ જુઓ તો યુક્રેન રશિયા યુદ્ધ માં લોકો બેહાલ થઈ ગયા છે.‌ ત્યાર પછી ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે થતા બોમ્બ ધડાકાઓના ઘોંઘાટ થી ત્રાસી ગયેલી નિર્દોષ માનવ પ્રજા શાંતિ ની શોધમાં વલખા મારી રહી છે. આ અશાંત વાતાવરણમાં સાચી આધ્યાત્મિકતા રાહત આપી રહી છે તેમ લોકો નું કહેવું છે. બાપુએ વિશ્વમાં શાંતિનું વાતાવરણ યુદ્ધનો અંત લાવવા કથા દરમિયાન વારંવાર શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે, એ મોટી વાત છે. એવું પણ જાણવા મળે છે કે રશિયા યુક્રેન સરહદ પર, તથા ઈઝરાયેલ પેલેસ્ટાઈન ની શાંતિ માટે, રામકથાનું આયોજન થઈ શકે એવો પ્રસ્તાવ એમણે મૂક્યો છે.

દાયકાઓથી, તેમણે શ્રીલંકા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને જાપાન સહિત સમગ્ર ભારત અને વિશ્વભરના અસંખ્ય શહેરો અને તીર્થસ્થાનોમાં રામ કથાઓનું આયોજન કર્યુ છે. વિશ્વના લાખો અનુયાયીઓને બાપુ આકર્ષે છે.