આધુનિક E-war હુમલામાં ઇઝરાયેલ ની માસ્ટરી…

લેખ: વિલ્સન સોલંકી, અમદાવાદ

૧૯૯૫ સમયગાળા માં મોબાઇલ આવ્યા ન હોતા, ત્યારે પેજર મેસેજીંગ સિસ્ટમ દ્વારા ટચુકડા મોબાઇલ જેવા ગેજેટ મારફતે મેસેજ મોકલવા માં આવતા હતા. તાજા સમાચાર માં એ પેજરનો ઉપયોગ કરી ઇઝરાયેલના સૈન્યએ આતંકવાદી હિજબુલ્લા સંગઠન ઉપર હુમલો કર્યો છે. એક જમાનામાં યુધ્ધ ક્ષેત્રમાં તલવાર, તોપ, ઝેરી ગેસ, પરમાણુ બોમ્બના ઉપયોગો થી આગળ વધી *પેજર હુમલા* ના નવા “ઈ.વોર” હુમલા નો નવો પરિચય ઇઝરાયેલના સૈન્યએ વિશ્વને કરાવ્યો એવું માનવું પડે. જોકે ઈઝરાયેલ સરકાર આ મુદ્દે મૌન છે, એથી એવું પણ લાગી રહ્યું છે કે કામ અધુરું છે કે શું ? કે આ એક પ્રયોગ હતો?

વિશ્વ પ્રસિદ્ધ સમાચાર માધ્યમોએ પ્રસિધ્ધ કરી દીધું છે કે ઇઝરાયેલનું ‘મોસાદ’ નેટવર્ક કેવું જબરજસ્ત છે? હિજબુલ્લા જેવાં બીજાં સંગઠનો અને એમના પક્ષે ઊભેલાં કેટલાક દેશોને ઈઝરાયેલ ની શક્તિ નો નવો ખ્યાલ આવી ગયો. આતંકીઓને રાડ પડાવી દીધી છે.

ઘણાં મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો મૃત્યુની બોર્ડર પર પહોંચી ગયા છે. કેટલાક ને હાથમાં, પગમાં, કમરમાં, છાતીમાં એમ જે જગ્યાએ પેજર હતું ત્યાં શરીર ફાડીને માંસના લોચા નીકળી ગયાં છે. તેઓ અસહ્ય ચીચીયારીઓ પાડી રહ્યા છે. દુનિયાના ચારે ખૂણે એકજ વાત સાંભળવા મળે છે કે ઇઝરાયેલ જેટલું પ્રયોગાત્મક વિશ્વમાં કોઈ દેશ નથી એ સ્પષ્ટ થઈ ગયું છે. પોતાને શક્તિશાળી ગણતા, અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો પણ આતંકવાદીઓ સામે કામ લેવામાં પાછી પાની કરે છે. તેઓ ઇઝરાયેલ કે ‘મોસાદ’ જેવી રણનીતિ ની કલ્પના કરી શકે નહીં. પેજર વિસ્ફોટક ના હુમલાઓએ બીજા દેશોની સીક્યુરીટી ના યુદ્ધ નિષ્ણાતોની ઊંઘ ઉડાડી દીધી છે. વિશ્વ ના સિક્યુરિટી ચોકીદારો વિચાર કરતા કરી દીઘા છે.

મોસાદ ટીમે પેજર બનાવીને, તેને ગ્રાહકો સુધી વેચીને પહોંચાડવા કે પધ્ધતિ વાપરી હશે? એ કોઈ નાનીસૂની યોજના ન કહેવાય. આ પેજર-યુધ્ધ ઘણું એડવાન્સ ગણાય. ઇઝરાયેલે પોતે ખતરનાક આધુનિક યુદ્ધ વિમાનો બનાવે છે અને વેચે છે, એ છતાં એનો ઉપયોગ એમણે પોતે નહીં કર્યો પણ પેજરનો ઉપયોગ કરીને આતંકવાદીઓને થોડી જ મિનિટોમાં ઢાળી દીધા.

હજી એ વાત સમજવા જેવી છે કે હવે ઈન્ફો-કોમ્યુનિકેશન માટે વપરાતા પેજર, હુમલા માટે પણ વાપરી શકાય છે. પેજર માં વિડીયો કેમેરા ગોઠવીને દુશ્મન ની ચહલપહલથી વાકેફ રહી શકાય એમ છે. એવું કહેવાય છે કે અઢી ત્રણ વર્ષ પહેલાં (મોસાદ ટીમે) આયોજન પ્રમાણે પેજર બનાવીને સીફતથી મીઠાની ચપટી જેટલા સ્ફોટક બોમ્બ પાવડર ભરીને વેચવામાં આવ્યા હતા.

“કોઈ તમારો એક હાથ કાપે તો દુશ્મનના બંને હાથ કાપી લેવા.” એ જૂની થીયરી પર આ બંન્ને જૂથો એકબીજાને જડબાતોડ જવાબ આપવા તૈયાર હોય છે. પેજર બોમ્બ, સાયબર યુદ્ધની આ યોજના રાતોરાત બની નથી પણ બે થી અઢી વર્ષનો લાંબો સમય આ યોજના પાછળ લીધો છે. હિજબુલ્લા એ હુમલાનો જવાબ “ઈંટ કા જવાબ પત્થરસે” આપવાની જાહેરાત કરી છે, અને રાતો રાત ઇઝરાયેલ પર થોડાક રોકેટ હુમલાઓ પણ કરવામાં આવ્યા છે તેનાથી ઇઝરાયેલને પણ નુકસાન તો થયું જ છે.