એક જમાનામાં જ્યારે માનવ વસ્તી મર્યાદિત હતી ત્યારે લોકો દૂર દૂર રહેતા હતા અને એકબીજાને મળવાનું ખૂબ જ ઓછું અથવા પ્રાસંગિક રીતે થતું હતું પણ હવે સમય બદલાયો છે. વસ્તી વધારો ખૂબ જ થવાથી લોકો એકબીજાની વધુ નજીક આવ્યા છે. સંબંધોમાં પણ ઊભરો આવ્યો છે. સંપર્કો વિવિધ રીતે ગાઢ બન્યા છે. અવારનવાર સમૂહ-મિલનો અને ઉજવણીઓ વગેરે થતું રહે છે. હવે એકબીજાને સ્પર્શ કરવો એકબીજાના શ્વાસ માં શ્વાસ નાખી વાત કરવી, નજીક નજીક ખાંસી ખાવી તથા એવા ઘણાં ખોરાક તથા પાણી દ્વારા ફેલાતા રોગો દેખાઈ રહ્યા હોય એવા જીવલેણ રોગો હવે દુનિયા પર ફેલાઈ રહ્યા છે. આપણને કોરોના સમયમાં એનો અનુભવ છે.
આ સાથે એક બીજી ઘટના બની રહી છે તે છે “વિચાર પ્રવાહ.” વીજ પ્રવાહ ની જેમ વિચાર પ્રવાહ પણ આજે શક્તિશાળી બન્યો છે. જેનો વિચાર પ્રવાહ વધારે શક્તિશાળી તે બીજા ઉપર છવાઈ જતા જોવા મળે છે. ખરાબ આદતો અને નકારાત્મક વિચારો પણ દિવસે દિવસે ફેલાતા જોવા મળે છે. આને કારણે સામાન્ય લોકો ને આ વાતાવરણ પ્રભાવિત કરતું રહે છે. આવું અનાયાસે જ થતું રહે છે, જેની આપણે મનુષ્ય નોંધ લેતા નથી. આ પદ્ધતિથી કેટલાક લોકો સંસ્થાના રૂપમાં કે ધર્મના રૂપમાં માનવ સમૂહને એકઠા કરીને પોતાની વિચારધારા લાદીને માનવ મનનું પરિવર્તન કરતા જોવા મળે છે. જૂથ-માધ્યમોની જાહેરાતો પણ લોકોની વિચારધારા બદલવામાં મહત્વનો ભાગ ભજવે છે.
સામાજિક વૈજ્ઞાનિકોએ આવા લોકમાનસને એક સ્વતંત્ર જીવ તરીકે નોંધ્યું છે. આ ઝેરીલા વિચારો એક માણસના મુખમાંથી નીકળીને બીજા માણસના મગજમાં પોતાની પકડ જમાવી લઈ રહ્યા છે આ પ્રકારના વિચાર પ્રવાહો તરંગ માધ્યમ દ્વારા પણ પોતાની રીતે ફેલાતા રહે છે અને પાવરફુલ લીડરો દુર્બળ મનોભૂમિ વાળા નબળા લોકોને ધર્મના આશરા હેઠળ પ્રભાવિત કરી રહ્યા છે. કેટલાક ધર્મ તો ક્લબના માળખા હેઠળ આજે જકડાઈ ગયા છે. તેનું સભ્યપદ, તેની વિચારધારા, તેના નીતિ-નિયમો માં સામાન્ય લોક વિશ્વાસ ને નામે ખુલ્લી આંખે આંધળા બની ગયા છે અને સ્થિતપ્રજ્ઞ, બૌદ્ધિક, આત્મસંયમી જેવા માણસો ખૂબ જ ઓછા થતા જાય છે. વ્યક્તિમાં રહેલી ધાર્મિકતા, સાંપ્રદાયિકતા, ફેશન, રિવાજો ના જાહેર કાર્યક્રમો બીજાં ના જીવન ઉપર પ્રભાવ પાડે છે પણ યાદ રાખો અને સમજવા જેવી વાત એ છે કે સામૂહિક ગાંડપણ માં વિવેક શીલતા છુંમંતર થઈ ગઈ હોય છે, તે એક ઉન્માદ ની આધીમાં લોકોને ઢસડતા લઈ જાય છે. જાણીતા વિશ્વના વિચારકોએ આ બાબતોને અનિચ્છનીય અને અનૈતિક ગણી છે, જૂથમાધ્યમો ની પકડ એટલી બધી ન હોવી જોઈએ કે તેની સ્વતંત્રતા છીનવી લે.
આજે સ્વતંત્રતાના દિવસે આ બાબત પર ધ્યાન આપવા ઉપર વિચારણા કરવી જરૂરી બન્યું છે. વિશ્વની જાણીતી એક મેડિકલ જર્નલમાં હોસ્પિટલના મેડિકલ વિશેષજ્ઞ એ એવું નોંધ્યું છે કે ભૂતકાળમાં ન દેખાયા કે ન જોયા હોય એવા ઘણા રોગો અત્યારે ફેલાઈ રહ્યા છે. જેનો ક્યાંય ઉલ્લેખ નથી તેવા લક્ષણો કે જેનો ઈલાજ શક્ય લાગતો નથી એવા રોગો આજે ફેલાઈ રહ્યા છે. ડોક્ટરો તેના દવા દારૂ તો કરે છે પરંતુ હકીકતમાં તેઓ પણ પરિણામ થી હતાશ થઈ ગયા છે.
વિશ્વના સમાજ ચિંતકોએ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર ગણી તત્કાલિક કાબુમાં લેવા માટે વૈજ્ઞાનિકોને આગળ આવવા માટે નિવેદન કર્યું છે. આ નિવેદનમાં સમાચાર પત્રો અને પત્રકારોએ ખૂબ જ અગત્યનું જાગૃતિનું કામ કર્યું છે એક નિષ્ણાતે નોંધ્યું છે કે એક રોગી સતત હસતો રહેતો અને હસવું કંટ્રોલ ન કરી શકવાને કારણે તેનું મૃત્યુ થયું. એને આ રોગને ‘લાફિંગ ડેથ’ નામ આપવામાં આવ્યું. કેટલાક સ્થળે ‘કંપ-વા’ ના રોગો ફેલાયા. બીજો પણ એક ‘ડરવાનો અને રડવાનો’ રોગ ફેલાયો હતો. એવું જાણવા મળે છે. એક જાણીતા ડોક્ટરે ‘માનસિક સંતાપ’ ને આનું મૂળ કારણ કહ્યું અને આજે વિશ્વમાં ફેલાતો એક ખતરનાક રોગ જેને “માસ હિસ્ટેરીયા” કહેવામાં આવ્યું તે પણ ગંભીર રીતે ફેલાતો જાય છે આ રોગમાં નિર્બળ મનવાળા લોકો ફસાતા જાય છે અને કેટલીક જગ્યાએ ધર્મને નામે આ રોગ ફેલાવવાનું કારણ જોવા મળે છે. શાંતિ શોધવા નીકળેલા નબળા લોકો પોતે સામે ચાલીને સપડાયા છે. બીજા એક ડોક્ટરે આ વિષયમાં વ્યાપક સંશોધન કરીને સમૂહગત હિસ્ટેરીયા ના આ રોગમાં સાવચેત રહેવા લોકોને, આત્મબળમાં મજબૂત થઈ ઊભા રહેવા ની વાત કરી છે. નિર્બળ મનવાળા લોકો બીજાની દાદાગીરીથી આતંકીત સ્થિતિનું આરોપણ પોતાનામાં કરીને પોતે રોગી બની જાય છે.
એક પુસ્તકમાં મારા વાંચવામાં આવ્યું કે કોઈની આંખો દુખતી જોઈને કેટલાક જોનારા લોકોને આંખો દુખવા લાગી છે અને ઉલટી થતી જોઈને એમને ઉલટી થવા લાગી, રક્તસ્ત્રાવ થતો જોઈને ઘણા લોકો બેહોશ થઈ જાય છે. આ બધા માનસિક રોગોના રોગીઓ છે અને સમય સંજોગો અનુસાર આવેશ ને જોવા, સાંભળવાથી નિર્બળ મનવાળા લોકો ઝડપથી આ રોગથી પ્રભાવિત થઈ જાય છે. ધર્મગુરુઓ દ્વારા ફેલાવવામાં આવતા આંદોલનો પણ સામૂહિક હિસ્ટેરીયા ના એક પ્લેટફોર્મ છે. એવું સમાજચિંતકો અને પત્રકારોએ જાહેર કર્યું છે અને આ દશામાં થી તેમને બહાર કાઢવા પ્રયાસ આદર્યો છે, આ પ્રકારના સામૂહિક હિસ્ટેલીયા રોગ આપણા દેશમાં વધતો જતો હોવાથી આજના “સ્વતંત્રતા દિને” આ રોગ ઉપર વિશ્લેષણ અને જાગૃતિ કેળવવાની જરૂર છે. જો આમને આમ આગળ ચાલતું રહેશે તો ધીમે ધીમે આવા માનસિક રોગીઓ નો આંકડો ઘણો વધાર સંખ્યામાં જોવા મળશે? એ આજના દિવસનું ચિંતન છે અને એ દિશામાં જાગૃતિ લાવવા આપણા સૌનો રાષ્ટ્રહિત માં પ્રયાસ હોવો જોઈએ. -જય હિન્દ