નાના ફેરીયાઓ પર થતી ધંધાની હરીફાઈ અને મોલ કલ્ચરની અસર (તંત્રી દ્વારા)

(આજે હાટકેશ્વર વિસ્તારના બજારમાં હરતા ફરતા બે ત્રણ ફેરિયાઓને મળવાનું થયું એ બાબતે આ ફકરો લખી રહ્યો છું.)

છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કોરોના સમયકાળ પછી ધંધા રોજગાર પર માઠી અસર થઈ છે. હોલસેલ તથા રીટેલ વેપારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એમને ઘર ચલાવવાના પણ ફાંફાં પડી ગયા છે. આજે શાકભાજી વગેરેની લારીઓમાં મેં જોયું કે વેચાણ કરવા માટે ભારે હરીફાઈ થઈ રહી છે. એ સિવાય ઘણી ફેક્ટરી અને ધંધા બંધ થવાથી કર્મચારીઓને પ્રાઇવેટ કંપનીઓએ છૂટા કર્યા છે. તેવામાં ચા-નાસ્તા ની લારી ચલાવી નાનો વેપાર કરનારા લોકોમાં વધારો થયો છે.

ઘણાં કારણોસર ધંધો ઓછો થતો હોવાથી તેઓ ચિંતામાં દિવસ પસાર કરે છે. શું કરું? ક્યાં જાઉં? કયો નાનો ધંધો શરૂ કરૂં? કેટલા ઇન્વેસ્ટ કરું? નફો થશે કે કેમ? વગેરે સવાલો વચ્ચે તેઓ અને તેમનાં કુટુંબો માનસિક ડિપ્રેશનમાં આવી જાય છે. આવાં ઘણાં કારણોથી સરકારી દવાખાનાં દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે. એવું તો નથી કે સમાજ માં નબળી પ્રજાને પ્રતાડિત કરવા સુખી સંપન્ન લોકો પાછળ પડી ગયા હોય ?

એક ફળની લારીવાળા પાસેથી વાતચીત કરતા જાણવા મળ્યું કે નાનાં ફેરીયાઓથી ખરીદવામાં મોટા લોકોને નાનમ લાગે છે અને તેઓ પોતાનો ઘર સામાન મોલમાંથી જ ખરીદવાનું પસંદ કરે છે? સોસાયટીમાં વેચાણ માટે આવતા ફેરિયાઓને પણ મોટા લોકો ધિક્કારતા હોય છે.

એક જગ્યાએ મેગા ફોનથી વેપાર કરતાં ૬૩ વર્ષ ના ફેરિયાને ધમકાવવામાં આવતો જોઈને મેં પછીથી એની પૂછપરછ કરી, તો એના ઘરની આપવીતી કહેતા તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે “વેચાણ માટે બૂમો પાડતા હું થાકી ગયો છું અને એટલું વેચાણ થતું નથી કે મને નફો થાય. હું ફળ વેચું છું અને તે થોડા સમયમાં જ ખરાબ થઈ જાય છે. વેચાણ વધારવા હું મેગાફોન વાપરૂં છું. આવા સમયે મને આ સોસાયટી વાળાઓ મેગાફોન વાપરવાની ના પાડે છે તેઓ કહેછે કે મેગાફોનથી તેમના બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે.”

મેં તેને જવાબ આપતા કહ્યું : તો એવી જગ્યાએ તમારે મેગાફોન ધીમા અવાજે વગાડવો જોઈએ, અથવા મોંથી બૂમો પાડીને ધંધો કરવો. એટલું સમજી લેવું કે આજે સાધન સંપન્ન માણસો ને કોઈ વસ્તુ નાના ફેરિયાઓ પાસેથી ખરીદવાની અને તેમને મદદરૂપ થવાની કોઈ ફિકર નથી. કારણ કે હવે લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે, મોટા લોકોને બીજાંની ચિંતા નથી. તેઓનો સ્વભાવ સ્વાર્થી બની ગયો છે, ભપકો અને દંભ નો રોગ લાગુ પડ્યો છે. તારો ધંધો ચાલુ રાખવા માટે તારે આટલું વધારે સહન કરવું પડશે. એ જ આ સમયનું પ્રતિબંધ છે એ તારે સમજી લેવું જોઈએ. આ બધી બાબતોમાં ઘણાં પાસાઓ નો વિચાર કરવો પડે તેમ છે પણ તારી સાથે એ બધી વાત કરવાનો મતલબ નથી એમ કહી ને અમે છુટા પડ્યા.