નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના કેસમાં ઉત્તર પ્રદેશની સેમ હિગિનબોટમ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, ટેક્નોલોજી એન્ડ સાયન્સ (SHUATS)ના વાઇસ ચાન્સેલર રાજેન્દ્ર બિહારી લાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે અલ્હાબાદ હાઈકોર્ટને પડકારતી તેમની અરજી પર યુપી સરકારને નોટિસ જારી કરી હતી.
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે હાઈકોર્ટ રાજેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી કરી રહી નથી જે ગયા વર્ષે 31 ડિસેમ્બરથી કસ્ટડીમાં છે.
સુપ્રીમે કહ્યું “રાજ્ય સરકારને નોટિસ જારી કરી છે, તે દરમિયાન અમે અરજદારને વચગાળાના જામીન આપીએ છીએ,” બેન્ચે ઉમેર્યું હતું કે જામીન બોન્ડની રકમ 25,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવેએ રાજેન્દ્ર તરફથી હાજર થઈને રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે રાજેન્દ્ર અને અન્ય આરોપીઓ સામૂહિક ધર્મ પરિવર્તન કાર્યક્રમના “મુખ્ય ગુનેગારો” છે જેમાં લગભગ 20 દેશોના વિદેશી ભંડોળનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસના અન્ય આરોપીઓ પૈકી વિનોદ બિહારી લાલ વાસ્તવમાં છેલ્લા બે દાયકામાં રાજ્યભરમાં છેતરપિંડી અને હત્યા સહિત વિવિધ પ્રકૃતિના 38 કેસમાં સંડોવાયેલો “કુખ્યાત ગુનેગાર” હતો.
રાજેન્દ્ર અને અન્યો સામે ભારતીય દંડ સંહિતા અને ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધિનિયમની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લગભગ 90 હિંદુઓ હરિહરગંજ, ફતેહપુરના ઇવેન્જેલિકલ ચર્ચ ઓફ ઇન્ડિયામાં ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાના હેતુથી એકઠા થયા હતા અને તેમને બળજબરી અને છેતરપિંડી અને પૈસાની લાલચ આપવામાં આવ્યા હતા.