લેખ – વિલ્સન સોલંકી અમદાવાદ
(ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ની વાતો વાંચતા વાંચતા મને જે ધ્યાનમાં આવ્યું એ કેટલાક મુદ્દાઓ અહીં શેર કરું છું.)
દુશ્મન સામે લડવા માટે યોગ્ય રણનીતિ બનાવી પડે તો જ ધારીએ તેવી સફળતા મળે. ભૂતકાળમાં જ્યારે યુદ્ધ થતાં ત્યારે રાજા રણનીતિ બનાવતાં હતાં તેમાં સેનાપતિને મદદ કરવા બૌદ્ધિક લોકોની સલાહથી એક ‘યુદ્ધ સમિતિ’ બનાવવામાં આવતી. યુદ્ધ સમિતિ ના બધા સભાસદો ભેગા મળીને દુશ્મનોના દરેક પાસાં ઓનો અભ્યાસ કરતા, દુશ્મનના સૈનિકોની સંખ્યા, હાજર સ્ટોકમાં શસ્ત્રો અને દારૂગોળો, બીજા લડવાના સાધન-સામગ્રીઓ અને શત્રુઓની પરિસ્થિતિ જેવી કે એ ક્યાં અને કેવા રહેઠાણોમાં રહે છે? એમની જીવનશૈલી કેવી છે? તેઓના કામ ધંધા શું છે? આવકના સ્ત્રોત કયા છે? વગેરે, બધી તપાસ કર્યા પછી યુદ્ધ સમિતિ એવા નિર્ણય પર આવતી કે હુમલો ક્યારે કરવો ? કેવી રીતે કરવો? એમાં કેટલા સૈનિકો લઈ જઈશું? કયા અસ્ત્રો- શસ્ત્રો લઈ જઈશું અને કયા સમયે હુમલો કરીશું ? એ પાકું થયા પછી એને ફાઇનલ ઓપ આપીને, દુશ્મનની સામે હુમલો કરવામાં આવતો હોવાનું ઇતિહાસમાંથી જાણવા મળે છે.
ગુપ્તચરો દ્વારા આમ જુઓ તો દુશ્મન ના પ્રકારો જાણી લેવામાં આવતા, શત્રુ સૈનિકોની ખાસ પ્રકારની કુશળતા, અને તેમને હરાવવા માટે યોગ્ય સમય અને યોગ્ય રીત નો અભ્યાસ કરવામાં આવતો, એમની કેપેસિટી વગેરેનો પણ અભ્યાસ કરવામાં યુદ્ધ સમિતિ ખૂબ જ ધ્યાન રાખતી. હુમલો ઘણીવાર દુશ્મનની જાણ બહાર કરવામાં આવતો પણ ઘણીવાર સામી છાતીએ સમય અને સ્થળ જાહેર કરીને પણ હુમલો કરવામાં આવ્યો હોય એવું બનતું આવ્યું છે. તેથી એવું પણ જાણી શકાય છે કે આજે 21મી સદીમાં પણ દુશ્મનના પ્રકારો હોય છે અને જીતવું હોય તો રણનીતિ આવશ્યક છે.