સમાચાર પ્રાપ્ત થયાં છે કે ઉત્તર હિન્દુસ્તાનનાં અયોધ્યામાં જ્યારે ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા’ નો ઉત્સવ દિવાળીની જેમ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે સનાતન પવિત્ર નગરી પ્રયાગરાજ થી સમાચાર ફેલાયા છે કે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ના પ્રોટેસ્ટન્ટ ઉચ્ચ ધર્મગુરુ (બિશપ) રેવરન્ડ મોરિસ એડગરએ દેશની બહુમતી પ્રજાની સાથે તાલ મિલાવવા દીપ પ્રગટાવી પોતાની ખુશી વ્યક્ત કરી. તેઓ આ અવસર પર દેશવાસીઓને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભેચ્છા પાઠવનાર છે.
ખ્રિસ્તી સમાજના લોકોએ આ સમાચાર નો કોઈ પ્રત્યાઘાત આપ્યો છે કે કેમ? પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે કે બધાએ આ સમાચારનું મુક્ સમર્થન કર્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે શ્રી રામના પાઠ સત્સંગમાં પણ ત્યાંનો ઈસાઈ સમાજ ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે.
રવિવારની ભક્તિ સભામાં રેવરન્ડ મોરિસ એડગરે જણાવ્યું હતું કે “હિન્દુ મંદિર અને ખ્રિસ્તી ચર્ચ વચ્ચે ખાસ કોઈ અંતર નથી” તથા બાઇબલની જેમ રામાયણ બધાને સાથે લઈને ચાલવાનો પવિત્ર સંદેશ આપે છે. અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમથી ઉત્તર ભારતનો ખ્રિસ્તી સમાજ ઉત્સાહી છે.
તેમણે ઉમેર્યું કે ભગવાન શ્રીરામ ફક્ત હિન્દુઓના નથી, પણ દરેક ભારત નિવાસી નાગરિકનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. બધા હિન્દુ સનાતની ભાઈ બહેનોને બિશપ સાહેબે વધામણી આપી છે, એમણે ઉત્તર ભારતની ખ્રિસ્તી મંડળી ચર્ચ ના ખ્રિસ્તી લોકોને અપીલ કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠા ના આ ઐતિહાસિક સમયને આપણે ઉત્સાહ સાથે મોટા પર્વની ઉજવણી કરવામાં જોડાઈ જઈએ.