ભારતમાં ખ્રિસ્તી ધર્મ નો ફેલાવ થઈ રહ્યો છે એની સામે પશ્ચિમના દેશોમાં ચર્ચ બિલ્ડીંગમાં સનાતન ધર્મની પદ્ધતિ પ્રમાણે પૂજા આરતી અને દીપ યજ્ઞ જેવા આયોજનો થતા રહે છે.
તાજેતરમાં ખ્રિસ્તી કહેવાતા અમેરિકા દેશમાં ટેક્સાસના ડલાસ પ્રાન્તના એક ચર્ચમાં ભારતના આધ્યાત્મિક અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે દીપાવલીના શુભ અવસરે દીપ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે ચર્ચના પ્રિસ્ટ રેવ. ક્રિસ્ટોફર કોટેસેનસે તે માટે હર્ષભેર પરવાનગી તથા વ્યવસ્થા કરી આપી હતી. આ સાથે ઘણા શ્રદ્ધાળુઓ ભાગીદાર થયા હતા.
આ યજ્ઞ દ્વારા ઉત્પન્ન થયેલા વાતાવરણથી હાજર શ્રદ્ધાળુઓ ખૂબજ પ્રભાવિત થયા હતા. આ જોઈને પ્રિસ્ટે દર વર્ષે આવા યજ્ઞો યોજવા જાહેર આમંત્રણ આપ્યું છે.
કાર્યક્રમની શરુઆતમાં ગુરુ ગાયત્રીમાતા તથા લક્ષ્મીમાતાને આમંત્રણ, પૂજન તથા વંદના કરવામાં આવી હતી તે ઉપરાંત ગાયત્રી મહામંત્રના ઉચ્ચારણ સાથે દીપ યજ્ઞ કરવામાં આવ્યો તે સમયે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. આ યજ્ઞથી ત્યાં હાજર સર્વ ભજનિકો ભાવવિભોર થઈ ગયા હતા.
ગાયત્રી બાળ સંસ્કાર શાળાના બાળકોએ ભારતીય શૈલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તે દરમિયાન ડલાસના ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓએ અને ઉપસ્થિત સભાજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.