સંયુક્ત કુટુંબની પ્રણાલી લગભગ નષ્ટ થવાને આરે

આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દ્વારા જે ધરમૂળથી પરિવર્તન થઈ રહ્યા છે તેમાં પરંપરાગત સંયુક્ત કુટુંબની પ્રણાલી લગભગ નષ્ટ થવા આવી છે એમ કહી શકાય. શહેરોમાં ‘સમાજ તોડો’ બુલડોઝર ખૂબ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.

આ ચેનલની સામાજિક મૂલ્યો પર અભ્યાસ કરતી ટીમ આ વિષય પર નજર રાખી ને અભ્યાસ કરે છે, વિદેશી અસરોને માર્ગે જીવન જીવતા નવા પરણીત યુગલો ધીમે ધીમે એક યા બીજા રસ્તે આગળ વધતા જઈને આખરે સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઈ જાય છે. સોશિયલ મીડિયાનો એમાં સૌથી વધુ પ્રભાવ હોવાનું જણાયું છે. તેના પરિણામે એક બીજા પર પ્રેમ પણ ઘટતો જાય છે.

ભારતના પાંચ છ શહેરોમાં માર્કેટ રિસર્ચ અને પબ્લિક ઓપેનિયન ના એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે 35 વર્ષથી 50 વર્ષ ઉંમર વચ્ચે યુગલોમાં, જુદાજુદા કારણે લગ્નવિચ્છેદ થતા જોવા મળ્યા છે. ટકાવારી પ્રમાણે દિલ્હીમાં 38%, અમદાવાદમાં 40%, કોચીન માં 44%, લુધિયાણામાં 45%, તથા કલકત્તામાં 52 ટકા, યુગલોમાં છૂટાછેડાના બનાવો બનવા પામ્યા છે જે ચિંતાજનક છે.

જોકે આધુનિક જીવનશૈલી, લગ્ન બહારના સંબંધો, છેતરપિંડી, સેક્સ માયાજાળ, કુટુંબની નાણાકીય પરિસ્થિતિ, તથા પોતાના જ ઘરના સભાસદો અને કુટુંબીઓ તરફથી મહેણાં ટોણાં – તિરસ્કાર જેવા કારણો મોખરે છે. નાની નાની વાતમાં રિસાઈ જવું, અપમાનિત કરવું, જૂઠું બોલીને સત્ય છુપાવવું, વ્યસનો કરતા પતિ-પત્નીઓ વગેરે દુર્ગુણો દ્વારા સમાજ વ્યવસ્થા તૂટતી જાય છે.

વિશ્વમાં ભારતીય સભ્યતામાં સામાજિક કુટુંબ રચના જોવા મળે છે. પણ જેમ જેમ બેંક બેલેન્સ વધતું જાય છે તેમ તેમ પ્રેમ ઘટતો જાય છે અને કુટુંબના મૂળમાં તિરાડો શરૂ થઈ જાય છે. એક જાણકારનું કહેવું છે કે ત્રીજા વ્યક્તિ ની દખલગીરી થી એક પરિવાર ભંગાણના આરે આવીને ઊભું છે, આવાં યુગલ પાંચથી દસ વર્ષમાં ફેમિલી કોર્ટ સુધી પહોંચી જતાં વાર લાગતી નથી, આખરે પરિણામ છૂટાછેડાનું આવે છે. થોડા જ વર્ષો પહેલાં જાહેર સમાચાર પત્રોમાં આંકડાઓ પ્રસિદ્ધ થયા હતા તે આખા સમાજમાં ચર્ચા નું કારણ બન્યા હતા. તેમાં આજે ઝાઝો ફેર નથી પણ આધુનિકતાનો હાઉ નવી પેઢી પર એવો ઉભરાઈ રહ્યો છે, તેની યુગલોને ખબર પડતી નથી. ફેમિલી કોર્ટના એક સિનિયર વકીલનું માનવું છે કે પતિ-પત્ની વચ્ચે સહનશીલતા અને એકબીજા વચ્ચે સમજણ નહીં હોય તો બે ત્રણ પેઢી સુધી સામાજિક સભ્યતા મરી પરવારી હશે અને કુટુંબ સબંધો જેલ જેવા લાગશે. (તંત્રી)

Photo Credit : Freepik