જિસસ ક્રાઇસ્ટ (ઈસુ ખ્રિસ્ત) ને આજના દિવસે વધ – સ્તંભ (રોમન સામ્રાજ્યમાં ગુન્હેગારો ને ફાંસી આપવા માટેનો થંભ) પર ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. ઈસુ રોમન સામ્રાજ્યમાં યહૂદી ધાર્મિક આગેવાનોની દખલગીરી સામે જંગે ચડ્યા હતા, એમ કહેવાય છે કે તેમનામાં ઉચ્ચ માનવતાના સદગુણો હતા તે કોઈ ધર્મના પ્રચાર માટે નહીં પણ દુઃખી, પીડીતો, શોષિતો તથા બીમાર અને ધિક્કારાયેલા નબળા લોકોનો અવાજ ઉઠાવી, તેમને હિંમત આપનાર પ્રતિનિધિ હતા, તેઓ તેમના સદગુણોને કારણે વિશ્વ માનવ બન્યા હતા. ઈશ્વરના કાર્યકર તરીકેની ફક્ત ત્રણ વર્ષની પોતાની સક્રિય સેવામાં યહૂદી ગ્રંથોનો જ્ઞાન ધરાવતા શાસ્ત્રીઓ, પંડિતો, શિક્ષકો, વક્તાઓને એવા સવાલોમાં ગૂંચવી નાખતા હતા કે તેઓ જાહેરમાં જવાબ આપવા માટે અવઢવ અનુભવતા. સાથે સાથે ઈસુને ઈશ્વરથી મળેલી દૈવીય શક્તિ કાર્યરત હતી. તેનાથી તેમનામાં યોગ્ય સમયે કામ કરવાની દોરવણી મળતી. રોમન સરકારમાં જ્યારે સમય ખુબજ ક્રૂર હતો ત્યારે ઉચ્ચ અધિકારીઓને જવાબ આપવાની હિંમત કોઈનામાં પણ ન હતી.
સૌથી મોટી વાત એ હતી કે તેઓ ભાષણો ઓછા અને સદકાર્યો વધુ કરતા હતા. તેથી તેઓ સામાન્ય વર્ગમાં લોકપ્રિય બની ગયા હતા. તેઓ બીમાર માણસોને સાજા કરતા, સમસ્યાઓથી ઝઝૂમતા સ્ત્રી-પુરુષોને સાંભળતા તથા તેમને માર્ગ બતાવતા હતા. એમના અદભુત કાર્યમાંથી કદાચ પાંચ ટકા જેટલી માહીતિ જ આજે આપણા સુધી પહોંચી છે એમ કહેવું ખોટું નથી. ઇઝરાયલ તથા આરબ દેશો ની આસપાસ તથા દૂર સુધીના પ્રાંતોમાં અને દરિયા પાર પણ તેમની કીર્તિ ખૂબ જ ઝડપથી ફેલાવવા લાગી હતી.
આજે જે ગુડ ફ્રાઇડે નામનો શોક મગ્ન દિવસ ખ્રિસ્તી ચર્ચોમાં ઉજવાઈ રહ્યો છે. તેમાં ઈસુ ખ્રિસ્તના કાર્યોને યાદ કરવામાં આવશે. આજે દરેક ચર્ચની ભક્તિ સભામાં ઈસુના એ તેના શિષ્યો સાથે લીધેલા સાંજના છેલ્લા ભોજનને એક વિધિ તરીકે પાડવામાં આવશે અને દરેક ખ્રિસ્તીએમાં સહભાગી થવા હાજર રહેશે. ખ્રિસ્તીઓમાં આ ખૂબ પવિત્ર વિધિ માનવામાં આવે છે. ઈસુએ કહ્યું છે કે “મારી યાદગીરીમાં આ ક્રિયા વિધિ કરો”
કેથોલિક તથા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયોમાં આ વિધિ સામાન્ય છે પણ દરેકની રીત જુદી જુદી છે અને તેમાં આધુનિકતા સાથે ફેરફાર કરવામાં આવતા રહે છે. આ વિધિમાં રોટલીનો ટુકડો તથા દ્રાક્ષનો રસ (વાઈન) કે જેને પવિત્ર માનવામાં આવે છે તેનો એક ઘૂંટ ચાર ચમચી જેટલા માપમાં દરેક ચર્ચોમાં એક સાથે લેવામાં આવે છે. આવું કરવાથી ખ્રિસ્તીઓમાં એકતા આવે છે એવું માનવામાં આવે છે.
ઈસુએ એક સુંદર દાખલો આપ્યો છે તેમાં તેણે રૂઢિપ્રયોગ કર્યો છે કે “વૃક્ષની ઓળખ એના ફળ પરથી થાય છે એટલે કે દરેક માણસ એના કાર્યોથી ઓળખાય છે” આ સનાતન સત્યને માર્ગે જતો સિદ્ધાંત છે.
શુભ શુક્રવાર વિશેની વધુ માહિતી આવતી કાલે પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી જોતા રહો સામાજિક પથ ન્યુઝ.