આજના શુક્રવારને સારો શુક્રવાર (ગુડ ફ્રાઇડે) શા માટે કહેવામાં આવે છે? ભાગ – ૨


ઈસુને ઊભા અને આડા લાકડાના સ્તંભ પર, ડાબા-જમણા હાથને બાંધી દઈ, કાંડા- હથેળીમાં ધારદાર ખીલાઓ ઠોકી દઈને જડી દેવામાં આવ્યા હતા, આજે વિશ્વભર માં ખ્રિસ્તી સંસ્થાઓના મકાનો પર લાલ રંગનો ‘ક્રોસ’ જોવા મળે છે. તે ઈસુના મૃત્યુ નું પ્રતીક છે. એ પાછળ માન્યતા છે કે “સ્થંભ પર નિર્દોષ માનવ ઈસુએ પોતાનો જીવ આપી દઈને માનવજાત ના પાપીઓને માટે બલિદાન આપ્યું.”

વિચાર કરવા જેવો છે કે વધસ્થંભે જડેલા ઈસુના જીવતા શરીર સાથે, જ્યારે જમીનમાં ખોદેલા ખાડામાં આ સ્તંભ ઉભો કરવામાં આવ્યો હશે, ત્યારે શું બન્યું હશે ? આ દ્રશ્ય વિચારતા જ હૃદય જાણે ધબકારો ચૂકી જાય એવું અનુભવાય છે. કેટલું ખતરનાક દ્રશ્ય ?

ત્યાં કદાવર, બળવાન રોમન સૈનિકો ની હાજરી, વિફરેલા રાક્ષસી મિજાજ ના માણસોનું બેકાબુ ટોળું, એ જોવાં ભેગું થયું હતું કે રોમન હુકમ નો અમલ કેવી રીતે થાય છે? એમાં થોડાક જ લોકો એવા હશે જેમને ઈસુ સાથે સંબંધ હતો, આવાં સમયે તો અનુયાયીઓને પણ બીક લાગે, રખેને કોઈ એમ કહે કે “મેં તને ઈસુ ની સાથે ચાલતા જોયો હતો.”
એ ગલગથા નામની ટેકરી, જેનો અર્થ ‘ખોપડી ની જગ્યા’ એટલે સ્મશાન જેવી જગ્યા. ત્યાં ટેકરી પર ભીડ ઘણી હતી પણ એમની વેદના સાંભળનાર કોઈ ન હતું. ક્યાંથી હોય ? જ્યાં સરકારના અસંખ્ય સિપાઈઓ, રાજનેતાઓ સાથે હજુરિયાઓની હાજરી? આ શિક્ષાત્મક કૃત્ય હકીકત બની રહ્યું છે અને દુનિયાના ઇતિહાસના પાના પર એક બહુ મોટી ઘટના નોંધાવાની છે.

એ પહેલાં ઈસુને જ્યારે રાજનેતાઓ સમક્ષ લઈ જવામાં આવ્યા ત્યારે રસ્તામાં ઈસુ ભારેખમ ક્રોસ ખભે ઉંચકીને યરૂશાલેમ ની શેરીઓમાં આગળ વધી રહ્યા છે, તેમની પાછળ રોમન સૈનિકો કોરડા વીંઝતા વીંઝતા ટેકરીનો આકરો ઢાળ ચઢી રહ્યા છે. ત્યાં જુઓ, કેટલાક જંગલી લોકો તેમના મોં પર અને શરીર પર થુંકે છે, કેટલાક એમને સોટી થી મારે છે, કેટલાક પથ્થરો પણ મારે છે અને કેટલાક ધક્કા-મૂકી કરે છે, કેટલાકને વળી એવી બુદ્ધિ સુધી કે તેઓએ તો જંગલી કાંટાળા વેલાઓના તોડી લાવીને મુગટ બનાવીને, ઈસુના માથે દબાવીને પહેરાવી દીધો હતો તેથી તેના કાંટા માથાની ચામડી ફાડીને તેમાંથી લોહીના રેલા, ઈસુના કપાળ, ગાલ અને દાઢી પર લટકી રહ્યા હતા. હાથ, પેટ, બરડો બધું ચાબખા નાં મારથી છોલાઈ ગયું હતું. ક્યાંક ક્યાંક માંસપેશી ઓ બહાર આવી ગઈ હતી. કેટલું કૃર ?

વાત હવે સમજવા જેવી છે આ દ્રશ્ય જેટલું ક્રૂર દેખાય છે તે માત્ર ધાર્મિક યહૂદી ધાર્મિક વિદ્વાનોની ઈર્ષા નું પરિણામ હતું, ભલે લોકોને આંખો સામે સૈનિકોના ચાબખા દેખાતા અને સાંભળવા મળતા હોય, પણ ફક્ત “અમે કહીએ એ જ સાચું” થિયરીને માનવા વાળા વિદ્વાનો નું ગ્રુપ આ કારસ્તાન પાછળ જવાબદાર હતું. એમ કહીએ કે મૂળ સ્ક્રીપ્ટ એમના દ્વારા લખાઈ હતી પછી રાજકારણ ના સહી સિક્કા અને હુકમો થયા અને છેલ્લે સૈનિકો દ્વારા લોકોના ટોળાં ની વચ્ચે આ નાટક ભજવાઇ ગયું એ સદીઓથી ચાલતી આવેલી પ્રથા છે ઈસુના એ મોં પર થુંકનારા કોણ ? એ સોટીઓ વાળાઓ અને મુગટ બનાવનારા ? એ ધક્કા મૂકી કરવા વાળા, એ મજાક હાસ્ય કરવાવાળા અને એ મનોરંજન લૂંટવા વાળા કોણ ?

એમનાં સંગઠિત વારસદારો આજે પણ એમનો વારસો જાળવી રાખે છે. માણસના શરીર પર પડેલા ઘા, રૂઝ આવે છે મટી પણ જાય છે, આખરે શરીર પણ એંસી-સો વર્ષે ખતમ થઈ જાય છે પણ… પણ માણસમાંથી અસુરી બૌધિક તત્વો સંપુર્ણ નષ્ટ થતા, હજારો સદીઓ વીતી જાય છે. એ પ્રથા ટકાવી રાખવામાં ઘણા લોકોને ફાયદો જણાય છે, તેઓ પ્રથા ટકાવી રાખવા સતત ભાગ ભજવતા છે, પણ ત્યાં સુધીમાં તો કેટલાય નું બલિદાન લેવાઈ જાય છે.

ઈસુ ના સમયમાં બારાબાસ નામનો ખતરનાક કાતિલ ગુંડો જે જેલમાં સજા ભોગવવા પુરાયેલ હતો તેનો નિર્દોષ ઈસુના બદલામાં છોડી મૂકવામાં આવ્યો ? એને છોડાવવાની માંગણીઓ કોણે કરી ? “બારાબાસ ગુંડાને છોડી મૂકો અને નિર્દોષ ઈસુને ફાંસીએ ચઢાવો?”

શું આજે પીઠ પાછળ ખંજર નથી ભોંકાતા ?
શું સૂટકેસમાં અંગો નાં ટુકડા નથી ભરાતા ?
મધરાતે પોલીસની હાજરીમાં સુમસામ રસ્તા પર સાધુ સંતને મૃત્યુને ઘાટ ઉતારવામાં નથી આવ્યાં ?
નિર્દોષ નાના ભૂલકાઓનો પણ આજે વધ કરાતો નથી ?
છળકપટ અને હુમલા પ્રથા ચાલુ જ છે એને સક્રિય રાખવા દૂર દૂર ના પ્રદેશોથી અહીં ઉર્જા પહોંચાડવામાં આવે છે?
…… (ક્રમશઃ)