એટીએમ માં છેતરાયેલા વડીલની આપવીતી

ગયા અઠવાડિયે એક વૃદ્ધ વડીલ કે જેમની ઉંમર 68 વર્ષ છે તેઓ તેમની આપવીતી જણાવતા કહે છે કે “હું મારા ઘરની નજીક આવેલા એટીએમ પર નિયમિત પૈસા ઉપાડવા જાઉં છું અને જરૂર પડે એમ નાણાં ઉપાડીને ઘરના કામમાં વાપરું છું પણ હમણાં એક દિવસ એવું બન્યું કે સવારે 11:30 વાગે જ્યારે હું એટીએમમાં નાણાં ઉપાડવા ગયો ત્યાં મારી સાથે જે ઠગાઈ થઈ એની વાત આપની સમક્ષ જણાવી રહ્યો છું આ વાત બીજાને જાગૃતિ માટે જણાવવી જરૂરી છે પણ મને સંકોચ થતો હોઈ મારું નામ છાપશો નહીં.”

આ વૃદ્ધનું નામ (નામ બદલેલ છે) મિલ્ટન ભાઈ છે. તેઓ દર 10-15 દિવસે નાણાં ઉપાડવા એટીએમમાં એકલા જતા હતા, પણ આ દિવસોમાં તેઓ બીમાર અને કમજોર હતા, તેઓ એટીએમ કેબિનમાં પહોંચ્યા. તેમને ચશ્મા હતા પણ સ્પષ્ટ જોવાની થોડી તકલીફ હતી. તેમના સંતાનો વિદેશમાં રહેતા હોવાથી તેઓ હંમેશા એકલા કામે જતા હતા.

મિલ્ટનભાઈ આ દિવસે એટીએમ કેબિનમાં ધીમે પગલે પ્રવેશ્યા ત્યાં તેમની પાછળ એક યુવાન, જે મોટરસાયકલ પર થી ઉતર્યો હતો તેણે હેલ્મેટ પહેરેલી હતી. તેનું મોં સ્પષ્ટ દેખાતું ન હતું. મિલ્ટનભાઈએ એમની વાત કહી કે મેં કાર્ડ કાઢીને એટીએમ મશીનમાં નાખ્યું એ સમયે પેલો હેલ્મેટ ધારી પાછળ ઉભો હતો. તે તેમની ધીમા કામ કરવાની શૈલી જોઈ ને બોલ્યો કે “અંકલ હું તમને મદદ કરી શકું.” મેં તેની વાત સ્વીકારી. તેણે કહ્યું “કાર્ડ બરાબર સેટ થયું નથી તેથી તેણે કાર્ડ મારું કાર્ડ કાઢીને પાછું અંદર નાખ્યું” અને હું આગળની પ્રોસેસ સ્ક્રીન પર કરવા લાગ્યો, તેણે મારો પીન નંબર ધ્યાનથી જોયો અને રકમ પણ જોઈ થોડીવારમાં એટીએમ માંથી મારા 10000 રૂપિયા ઉપાડેલા તે બહાર નીકળ્યા તેણે તે લઈને મને આપ્યા “લો અંકલ આ તમારા રૂપિયા ગણી લો” આ દરમિયાન એણે મારો વિશ્વાસ જીત્યો અને તે મને પ્રમાણિક યુવાન લાગ્યો, મને કંઈ ખોટું લાગ્યું નહીં.
હું મારા રૂપિયા ત્યાં ઉભા ઉભા ગણવા લાગ્યો એ દરમિયાન મારું એટીએમ કાર્ડ મશીનમાં જ હતું. મારૂં ધ્યાન રૂપિયાની નોટો ગણવામાં હતું. હું પૈસા ગણી રહયો ત્યાં સુધી તેણે મારું ડેબિટ કાર્ડ કાઢીને પોતાના હાથમાં પકડી રાખ્યું હતું. મારા પૈસા હું ગણી રહ્યો અને ખિસ્સામાં મુકતા સમયે તે યુવાને મારું કાર્ડ જે તેના હાથમાં હતું તેણે મને મારું કાર્ડ પાછું આપ્યું.
મેં તે મારા ખિસ્સામાં મૂકી ને હું મારા ઘર તરફ લાકડીના સહારે ધીમે ધીમે ચાલતો થયો. ઘેર પહોંચ્યા પછી મારા પર મેસેજ આવ્યો, તેમાં મારા 10,000 રૂપિયા ઉપાડેલા હતા તેનો મેસેજ હશે એમ માનીને મેં તે જોયું નહીં. એકાદ કલાક બાદ મેં મોબાઈલ માં મારો મેસેજ વાંચીને જોયો.
એ જોઈને મને ધ્રાસકો પડયો.

તેમાંથી 70 હજાર ઉપડી ગયા હતા તેવો મેસેજ વાંચીને હું દંગ રહી ગયો. કંઈક ખોટું થયું છે એમ સમજી ગયો.‌ હું કાર્ડ લઈને બેંકમાં તપાસ કરવા માટે જવાનું વિચારતો હતો મેં મારું ડેબિટ કાર્ડ પાછું હાથમાં લીધું અને ધ્યાનથી જોતા મને ખબર પડી કે તે યુવાને બીજું કાર્ડ જે નકામું હતું જે મારી બેંકના જેવું જ દેખાતું હતું તે મને પકડાવી દીધું હતું. તે કાર્ડ જુદું લાગતા હું કંઈક ખોટું થયું છે તેમ સમજી ગયો કે તે ગઠીયા એ મારું કાર્ડ લઈને મને દેખાવમાં ભળતું કાર્ડ પકડાવી દીધું હતું. મિલ્ટનભાઈને મેં પોલિસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.

મિત્રો, આ કિસ્સો સાયબર ક્રાઇમનો નથી પણ હાથ ચાલાકીનો છે. ફક્ત વૃદ્ધો નહીં પણ સ્ત્રીઓ અને કોઈપણ યુવાન ચાલાક માણસ જે પોતાને હોશિયાર ધારતો હોય તે પણ આવી હાથચાલાકીમાં ફસાઈ શકે છે.

રોડ ઉપર ભર બજારે કરવામાં આવતા જાદુના ખેલ જેવી રીતથી મિલ્ટનભાઈ છેતરાયેલા હતા.‌ સરકાર પોલીસ ખાતું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ વગેરે બૂમો પાડીને વૃદ્ધોને અમુક જગ્યાએ એકલા ન જવાની જાહેરાતો આપે છે, સાથે કોઈને રાખવાની પણ સલાહ આપે છે. પણ બહેરા કાનો પર આ જાહેરાતો અથડાઈને પાછી પડે છે. મન સુધી પહોંચતી નથી.

ક્યાંક વાંચ્યું છે કે ‘માણસો નાં મન જડ થઈ ગયા છે.’
સૌથી મોટો પ્રોબ્લેમ ઘેર ઘેર પોતાના સંતાનોને વિદેશ ધનકમાવા મોકલીને અહીં માત્ર ઘરડા મા બાપ એકલા રહેતા હોય એવું ઘણી જગાએ જોવાં મળે છે. તેઓ મોટી ઉંમરે ઘણી બધી વાર પોતાના જ ઘરમાં ગૂંગળામણ અનુભવતા જોવા મળે છે. જો એમની સાથે એમના ઘરના કોઈ યુવાન સંતાનો હોત રહેતા હોય તો આવા કિસ્સા આવા વડીલોને ભોગવવા ન પડે એ સમજવા જેવું છે. આ ઘટનાની નોંધ લઈને એનો પ્રચાર કરવો જોઈએ એ જ “સાપ” નું કહેવું છે.